મુંબઈ :

બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ 'ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ' વર્ષ 2021માં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી અટકેલી આ ફિલ્મને નિર્માતાઓએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા આ ફિલ્મનું પ્રીમિયર સ્વિટ્ઝર્લેન્ડમાં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. 

ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શને તેના ટ્વિટર હેન્ડર પર ફિલ્મના મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, 'ઇરફાનની છેલ્લી ફિલ્મ ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ 2021 માં રિલીઝ થશે. અનૂપ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને પેનોરમા સ્પોટલાઇટ અને 70mm ટોકીઝે પ્રોડ્યૂસ કરી છે

પેનોરમા સ્પોટલાઇટના નિર્માતા અભિષેક પાઠકે જણાવ્યું કે અમે આ ફિલ્મને ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતાને શ્રદ્ધાંજલી તરીકે રજૂ કરીશું. જોકે હાલ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર નથી થઇ. આ ફિલ્મમાં ઇરફાન ખાન ઉપરાંત વહિદા રેહમાન, શશાંક અરોરા, તિલ્લોતામા શોમ અને ગોલશિફ્ટેહ ફરાહાની પણ જોવા મળશે. ફિલ્મમાં ઇરફાન ખાન ઊંટના વેપારીની ભૂમિકા નિભાવતા નજરે પડશે

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત ઈરફાન ખાને 29 એપ્રિલ, 2020ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ઇરફાન ખાન છેલ્લે માર્ચ 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઇંગ્લિશ મીડિયમ' માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર, દિપક ડોબરિયલ અને રાધિકા મદન પણ હતાં