તરૂણની સરાજાહેર ઘાતકી હત્યા કરીને ભાગનાર ટપોરીએ પોલીસને ચપ્પુ મારતાં લિંબાયત પોલીસે પગમાં ગોળી મારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026  |   1980

શહેરનાં લિંબાયત વિસ્તારમાં રવિવારે રાત્રે સરાજાહેર હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. મોબાઇલ રીપેરિંગનું કામ શીખતાં તરૂણને આ વિસ્તારનાં ટપોરીએ છાતીનાં ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરી ભાગેલા આ ટપોરીને પકડવા ગયેલા લિંબાયત પોલીસ ઉપર પણ તેણે હુમલો કર્યો હતો. એક કોન્સ્ટેબલને ચાકુનો ઘા મરાતાં ઇન્સ્પેક્ટર ચૌહાણે ફાયરિંગ કર્યું હતું. પગનાં ભાગે ગોળી વાગતાં એ બદમાશને ગંભીર ઇજા પહોંચી હતી.

લિંબાયત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા આસ્તિકનગરમાં સુનિતા જગદીશ પવાર તેના બે દિકરાઓ ૧૯ વર્ષીય આદિત્ય અને ૧૭ વર્ષ ૧૧ મહિના ઉંમરનો અનુરાગ ઉર્ફે રાજ સાથે રહે છે. અનુરાગ મહારાણા ચોક પાસે આવેલા તનિષ્ક મોબાઇલ નામની દુકાનમાં મોબાઇલ રિપેરીંગનું કામ શીખતો હતો. રવિવારે રાત્રે અનુરાગ અને તેની સાથે કામ કરતો ગોપાલ રાઠી બાઈક ઉપર દુકાનનું પેમેન્ટ લેવા માટે જઈ રહ્યો હતો.

દરમિયાન લિંબાયતનાં જુના કંઠી મહારાજ મંદિરથી રામમંદિર ચાર રસ્તા તરફ રાજ જનરલ સ્ટોર નામની દુકાન સામે ડિવાઇડર નજીક મોટર સાયકલ સાથે ઉભા રહ્યા હતાં. અહીં રાહુલ જાેગી રોંગ સાઇડથી આવ્યો હતો. તેણે ટક્કર લાગવા જેવી સામાન્ય બાબતે તેને ગાળો આપવા લાગ્યો હતો. રાજે તેને ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાની કમરના ભાગે રાખેલો ચપ્પુ કાઢીને અનુરાગ ઉર્ફે રાજની છાતી ઉપર બે ઘા ઝીંક્યા હતાં. રાજે સ્વબચાવ માટે પ્રયાસ કર્યો તો આંગળી ઉપર પણ ઈજા પહોંચી હતી. ઊંડા ઘાને પગલે અનુરાગ પવાર લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા જ રાજનાં મામા ગણેશ પરદેશી સહિત પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોહીનાં ખાબોચિયામાં પડેલા અનુરાગને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલ અને પછી સ્મીમેર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો.

બીજી તરફ હત્યાની ખબર મળતાં લિંબાયત પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતાં. હુમલાખોરની સ્થાનિક ટપોરી રાહુલ જાેગી હોવાનું જાણવા મળતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. દરમિયાન રાહુલ જાેગીને મીઠીખાડીમાં પાણીની ટાકી પાસે હોવાની બાતમી મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી અને તેને ઘેરી લીધો હતો. રાહુલે ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ કર્મચારી ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મુકેશ રવિન્દ્ર બુગાલને ઈજાઓ પહોંચી હતી. રાહુલ જીવલેણ હુમલો કરી શકે એમ હોય ઇન્સ્પેક્ટર ચૌહાણે તેને સરેન્ડર થવાની ચેતવણી આપવા સાથે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાે કે, રાહુલ તાબે ન થતાં તેની તરફ પણ ગોળીબાર કરાયો હતો. આ ગોળી તેના જમણાં પગે પીંડીનાં ભાગે વાગી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મી અને હત્યારા રાહુલ જાેગીને સારવાર માટે ખસેડાયા હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution