લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
2178
શહેરમાં કોલસાના ટ્રેડિંગના નામે લાખો રૂપિયાની છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપીને કંડલાના એક બ્રોકર સહિત પાંચ અલગ-અલગ કંપનીઓના માલિકોએ ભેગા મળીને બોડકદેવના એક વેપારી પાસેથી ૬૪.૩૦ લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીઓએ માલ મોકલ્યા વગર જ ફેક બિલો અને ઈ-વે બિલ બનાવીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ભોગ બનનાર વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોડકદેવ વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય કિશન અંબાવી કેમિકલ મેન્યુફેક્ચરિંગ અને કોલસાના ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૨માં તેમની મુલાકાત કંડલાના રહેવાસી રાજ ઐયાચી સાથે થઈ હતી. રાજે પોતાની ઓળખ કોલસા માર્કેટના એક્સપર્ટ તરીકે આપી કિશનભાઈને સસ્તા ભાવે કોલસો અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ ૧૫ ટકા કમિશનની શરતે તે કિશનની કંપનીમાં ઓથોરાઈઝ્ડ એજન્ટ તરીકે જાેડાયો હતો. ડિસેમ્બર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૫ દરમિયાન બ્રોકર રાજે અન્ય કંપનીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને કુલ ૬૪,૩૦,૯૬૮ રૂપિયાની ઠગાઈ આચરી હતી.શરૂઆતમાં બ્રોકર રાજે આ કંપનીના પ્રતિક બોથરા પાસેથી માલ ખરીદવાનું કહી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાંથી ૭,૩૦,૦૦૦ રૂપિયાનું પેમેન્ટ હજુ ફસાયેલું છે. બી. કે. ડી મિનરલ્સ કંપની પાસેથી કમિશનના ૧,૫૪,૭૪૪ રૂપિયા લેવાના નીકળતા હતા, જે આજદિન સુધી ચૂકવાયા નથી. બ્રોકર રાજે ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવવાના બહાને આ કંપનીના માલિક શક્તિસિંહના બેન્ક ખાતામાં ૩૧,૫૦,૦૦૦ રૂપિયા જમા કરાવડાવ્યા હતા. ફરિયાદીએ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લઈને આ રકમ ચૂકવી હતી, પરંતુ કોઈ માલ મળ્યો નહોતો.આઇ એનર્જી નેચરલ રીસોર્સીસ લી. કંપનીના માલિક વાસુદેવ પમનાણીને ૨,૭૦,૦૦૦ રૂપિયા ચૂકવાયા હતા, પરંતુ તેમણે માલ ફરિયાદીના બદલે બારોબાર અન્ય કોઈને મોકલી દીધો હતો અને કંપનીના નામના ફેક સર્વિસ બિલો બનાવી દીધા હતા. આ પેટે હજુ ૨,૧૬,૨૨૪ રૂપિયા લેવાના બાકી છે. નવેમ્બર ૨૦૨૪માં કંપનીના માલિક ભક્તિબહેન ચાઉ પાસેથી માલ ખરીદવાના બહાને ફરીથી ૧૩,૮૦,૦૦૦ રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યા, જેનો કોઈ માલ મળ્યો નહીં પરંતુ ફેક ઈ-વે બિલ જનરેટ કરી દેવાયા.