અમદાવાદ-

દેશમાં અન્ય રાજ્ય કે શહેરની તુલનાએ વાપીમાં સામાન્ય રીતે શાકભાજી, ફ્રૂટના ભાવ ઓછા હોય છે. જોકે, આ વખતે વરસાદી માહોલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને કારણે સીઝનલ અને ઓફ સીઝનલ શાકભાજી-ફ્રૂટના હોલસેલ-રિટેઇલમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ગૃહિણીઓ તોબા પોકારી ઉઠી છે. જ્યારે શાકભાજી વિક્રેતાને ત્યાં પણ ગ્રાહકો ઘટ્યા છે. શાકભાજી અને ફ્રૂટના હોલસેલ વેપારીઓ પણ માની રહ્યા છે કે, હાલમાં શાકભાજીમાં ભાવવધારો નોંધાયો છે. 15 દિવસ પહેલા જે ભાવ હતો તેની સામે હાલમાં શાકભાજીમાં વરસાદના કારણે ભાવ વધ્યા છે. સાથે જ કોરોનાની અસર પણ શાકભાજીના ભાવ વધારા માટે એક કારણ છે. વરસાદી માહોલના કારણે પાકને નુકસાન થયું છે. શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં ગુવાર, મરચા, ફણસી જેવા શાકભાજીના ભાવ વધારે છે. મોટાભાગે વાપીમાં નાસિક અને સુરતથી શાકભાજી આવે છે. જે તમામ શાકભાજીમાં ભાવ વધ્યા છે. જોકે આગામી દિવસમાં ભાવ ઘટવાની સાથે સાથે ગ્રાહકો વધવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ સાથે હવે શાકભાજી, ફ્રૂટ અને કરીયાણા જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. ગ્રાહકોનું માનવું છે કે, વધતા ભાવથી મધ્યમ વર્ગ અને રોજનું રોજ કમાઈને ખાનારો વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે.