દિલ્હી-

કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ અફઘાનિસ્તાન સંકટનો ઉલ્લેખ કરી સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટને ખૂબ જરૂરી ગણાવ્યો છે. પુરીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે પડોશી દેશમાં શીખ અને હિન્દુઓ સાથે જે પ્રકારે અયોગ્ય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેનાથી માલુમ થાય છે કે દેશમાં CAA લાગુ કરવો શા માટે જરૂરી છે. ડિસેમ્બર,૨૦૧૯માં ઝ્રછછ સામે વિરોધ પ્રદર્શન થયા હતા. આ અંગે પુરીએ કહ્યું કે CAAથી દેશની ધર્મનિરપેક્ષતા પર કોઈ જ અસર થશે નહીં. આ સાથે તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નવા કાયદા અંગે ખોટી માહિતી ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

પુરીએ કહ્યું કે વિપક્ષી દળો કાયદામાં સુધારાને લગતી માહિતીને લઈ સરકાર વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં ખોટી માહિતી ફેલાવવી,ભારતના હિતોનો વિરોધ કરનારી શક્તિને એકજૂટ કરવા તથા હિંસા ભડકાવવાનો સમાવેશ થાય છે. બીજી બાજુ કાબુલમાંથી ભારતીયોને બહાર કાઢવાની એટલે કે એરલિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રવિવારે ત્રણ વિમાનો મારફતે ૩૯૦ લોકો ભારત પરત ફર્યાં હતા, તેમાં ૩૨૯ ભારતીયોનો સમાવેશ થતો હતો. એરફોર્સના એરક્રાફ્ટથી ૧૬૮ લોકોને પરત લાવવામાં આવ્યા હતા, તેમાં ૧૦૭ ભારતીય ૨૩ અફઘાની શીખ તથા હિન્દુનો સમાવેશ થતો હતો. આ અગાઉ એર ઈન્ડિયાના વિમાનથી ૮૭ ભારતીયો અને ૨ નેપાળી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય એક ફ્લાઈટમાં ૧૩૫ લોકોને પરત લાવવામાં આવ્યા છે. એરફોર્સના વિમાનથી આવેલા ૧૬૮ લોકોમાં અફઘાની સાંસદ નરેન્દર સિંહ ખાલસા, અનારકલી હોનરયાર અને તેમના પરિવારનો સમાવેશ થાય છે. રવિવારે ભારત પહોંચતા નરેન્દર સિંહ ખાલસા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ૨૦ વર્ષથમાં જે પણ નિર્માણ કરેલું તે બધુ જ ખતમ થઈ ગયું. આ ઉપરાંત અન્ય એક અફઘાની મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તાબિલાને અમારા ઘર સળગાવી નાંખ્યા છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતનમાં પરત લાવવાનું સરળ થઈ ગયું છે. કાબુલ એરપોર્ટથી ભારત દરરોજ બે વિમાનના સંચાલન માટે મંજૂરી મળી છે. અમેરિકા અને નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન ફોર્સે આ માટે શનિવારે મંજૂરી આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હવે તેઓ ટૂંક સમયમાં તમામ ભારતીયોને પરત લાવી શકશે. અહીં હજુ પણ ૩૦૦ જેટલા ભારતીય ફસાયેલા છે. ગયા વર્ષે દેશમાં કાયદો બન્યો તો દેશભરમાં તેનો ભારે વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં આ કાયદાનો ભારે વિરોધ થવા સાથે આંદોલનનું કેન્દ્ર બન્યું હતું. કાયદામાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના પ્રવાસીઓ માટે નાગરિકતા કાયદાના નિયમોને સરળ કરવામાં આવ્યા હતા. આ અગાઉ નાગરિકા માટે ૧૧ વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું, આ સમય ગાળો ઘટાડીને ૧થી ૬ વર્ષ કરવામાં આવ્યો છે. ૧૧ ડિસેમ્બર,૨૦૧૯ના રોજ રાજ્યસભામાં નાગરિક સુધારા વિધેયક ૨૦૧૯ના પક્ષમાં ૧૨૫ અને વિરોધમાં ૯૯ મત પડ્યા હતા. આ અગાઉ ૧૨ ડિસેમ્બર,૨૦૧૯ના રોજ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. દેશભરમાં ભારે વિરોધ વચ્ચે વિધેયક બન્ને ગૃહમાંથી મંજૂર થયા બાદ તે કાયદાકીય સ્વરૂપ મેળવી લીધુ હતુ. ગૃહમંત્રી અમિત શાહે ૯ ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેટલાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં કહ્યું હતું કે ગૃહ મંત્રાલય કાયદાને લાગૂ કરવાના નિયમ તૈયાર કરવા માટે ૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનો સમય ઈચ્છે છે.