લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
1980
ગોરાટ હનુમાન મંદિર પાસે જ વિધર્મીઓનાં કોમ્પ્લેક્સને ભ્રષ્ટાચાર આચરીને આપવામાં આવેલી મંજૂરીમાં ભાજપ નેતાઓનાં હાથ ખરડાયેલાં છે તેવો આક્રોશ આ વિસ્તારનાં હિન્દુ રહિશોએ ઠાલવ્યો છે. હિન્દુ રહિશો ખાસ કરીને મહિલાઓમાં પ્રસરેલાં રોષને પામી ગયેલાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને ભાજપનાં ઉમેદવારો ગોરાટ વિસ્તારમાં પ્રચાર માટે રીતસરની આજીજી કરવી પડી છે. ગઇકાલે મંગળવારે રણચંડી બનેલી સ્થાનિક મહિલાઓએ ઘેરો ઘાલતાં પૂર્ણેશ મોદી તેમજ ભાજપનાં ચારેય ઉમેદવારોએ પરિમલ ચાસિયાનાં ઘરમાં પૂરાઇ રહેવું પડ્યું હતું અને આખરે પોલીસ રક્ષણ હેઠળ બહાર કાઢવા પડ્યાં હતાં. સ્થાનિક હિન્દુ રહિશો ખાસકરીને મહિલાઓનો આક્રોશ જાેઇને ભાજપ નેતાગીરીમાં સોંપો પડી ગયો છે અને કોઇપણ સંજાેગોમાં ગોરાટ હનુમાન મંદિર આસપાસનાં રહિશોને મનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજીતરફ મંગળવારની ઘટના બાબતે ભાજપનાં નેતાઓ તેમજ ઉમેદવારો ગોરાટ હનુમાન મંદિરે આવીને જાહેરમાં માફી માગે તેવો આગ્રહ સ્થાનિક રહિશો રાખી રહ્યાં છે. ગોરાટ વિસ્તારની મહિલાઓએ આજે બુધવારે ગઈકાલની ઘટના સંદર્ભમાં જાેઈન્ટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી.
ગોરાટ હનુમાન મંદિર નજીક વિધર્મીઓનાં કોમ્પ્લેક્સ બાબતે સ્થાનિક હિન્દુ રહિશો છેલ્લા એક-દોઢ વર્ષથી આંદોલન ચલાવી રહ્યાં છે, ભાજપનાં પૂર્ણેશ મોદી સહિત અન્ય નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ હિન્દુઓનું દર્દ સાંભળીને તેનું નિરાકરણ નહીં લાવવામાં આવતાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં હવે સ્થાનિક રહિશોએ અપક્ષ તરીકે પોતાનો ઉમેદવાર તરૂણ પટેલને ઉભો કરી ભાજપ નેતાગીરી સામે લડી લેવાનું નક્કી કર્યું છે. ગોરાટ હનુમાન મંદિરનાં ખજાનચી તરૂણ પટેલ સામે હર્ષ મહેતા સામાન્ય બેઠકનાં ઉમેદવાર હોવાથી કાંટે કી ટક્કર માનવામાં આવે છે.ભાજપમાં પણ હર્ષ મહેતા મુદ્દે બે જુથ સામ સામે આવી ગયાં છે જેમાં એક જુથ દ્વારા હર્ષ મહેતાની બદનામી થાય તે માટે સક્રિય પ્રયાસો કરવામાં આવતાં તે બાબતે નેતાગીરી સમક્ષ ફરિયાદો પણ થઇ છે. ગઇકાલે મંગળવારે હર્ષ મહેતા અન્ય સ્થળે પ્રચારમાં હતાં અને ગોરાટ મંદિર વિસ્તારમાં લોકોનો વિરોધ થશે તેવું જાણવા છતાં હર્ષ મહેતાને ઇરાદાપૂર્વક ત્યાં બોલાવવામાં આવ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગોરાટ વિસ્તારમાં પૂર્ણેશ મોદી અને ભાજપનાં નેતાઓ માટે સોસાયટીનાં ગેટ મહિલાઓએ બંધ કર્યાં હતાં પરંતુ ભાજપનાં ઉમેદવાર પરિમલ ચાસિયાનાં ભાઇ તેમજ અન્ય કાર્યકરોએ બળજબરીપૂર્વક ગેટ ખોલી ગાળાગાળી કર્યા બાદ એક મહિલાને ધક્કો મારી હડસેલી હતી જેથી લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો.