ખંભાત : ખંભાતના શક્કરપુર ગ્રામ પંચાયત દ્વારા નગરાના રેવન્યૂ શંખવા વિસ્તારમાં ૧૩મી સપ્ટેમ્બરના રોજ ‘નલ સે જલ યોજના’ અંતર્ગત ૨૧ લાખના ખર્ચે પીવાનાં પાણી માટેનો નવીન ડીઆર બોર, પંપરૂમ, થ્રી ફેઇઝ પંમ્પિંગ મશીનરી, પાઇપ લાઇન સહિતની કામગીરીનું ધારાસભ્ય મયુર રાવલના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જ્યાં બોર બનાવવાની કામગીરી કરાઈ રહી છે તે જગ્યા નગરા ગ્રામ પંચાયતનો રેવન્યૂ વિસ્તાર હોવાનું ખુલતાં વિવાદ ઉભો થયો છે. શકરપુર ગ્રામ પંચાયત દ્વારા નગરા ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના અને જાણ કર્યા વિના બારોબાર નગરા ગ્રામ પંચાયતના રેવન્યૂ વિસ્તારમાં ૨૧ લાખના ખર્ચે અનઅધિકૃત રીતે બોર બનાવવાની કામગીરી બાબતે નગરાના સરપંચે તાત્કાલીક અસરથી કામ બંધ કરી તપાસની માગણી સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી છે. 

ખંભાત તાલુકાના નગરા ગ્રામ પંચાયતના સુનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, શક્કરપુર ગ્રામ પંચાયતે નગરા ગ્રામ પંચાયતના રેવન્યૂ વિસ્તારમાં અમને વિશ્વાસમાં લીધાં વિના અને જાણ કર્યા વિના અનઅધિકૃત રીતે બોર બનાવવાની કામગીરી કરી છે. તે કામ તાત્કાલિક અટકાવી તપાસ થવી જોઈએ. શકરપુર પંચાયત નગરા ગ્રામ પંચાયત હસ્તકના સરવે નંબર-૨૯૦ (કૂકડથાણાં તલાવડી)માં બોર બનાવી રહી છે. વળી ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કર્યા બાદ હવે નગરા પંચાયત પાસે જગ્યા માટે લેખિત સંમિતિપત્ર માગી રહ્યાં છે. આ બોર બનાવવાની કામગીરી માટે રૂ.૨૧ લાખની કોઈપણ પ્રકાર ગ્રાન્ટ પણ નગરા ગ્રામ પંચાયતના ખાતામાં જમા થઈ નથી. કોઇ પણ પ્રકારની જાણ પણ કરાઈ નથી.

શકરપુર ગ્રામ પંચાયતે માત્ર મીડિયેટરની ભૂમિકા ભજવી

નલ સે જલ યોજના અંતર્ગત શંખવા સીમ વિસ્તારમાં રહેતાં ૧૮૭ જેટલાં રહીશો જે શકરપુર ગ્રામ પંચાયતના મતદારો છે. પાણીની સમસ્યા બાબતે રજૂઆત કરતાં હતાં, તેથી ૨.૫૦ લાખ જેટલો લોકફાળો ઉઘરાવી વાસમોના સંચાલન હેઠળ બોરની કામગીરી કરી છે. જાેકે, શંખવા વિસ્તારના નગરા રેવન્યૂ વિસ્તારમાં સમાવિષ્ટ હોઇ રહીશોને આકરણી, વેરો, મહેસૂલ નગરા પંચાયતમાં લાગું પડે છે. આ યોજનાનું સંચાલન વાસમો કરતી હોવાથી શકરપુર પંચાયતે માત્ર મીડિયેટરની ભૂમિકા ભજવી છે.• જીતુભાઇ વાઘેલા, સરપંચ, શકરપુર ગ્રામ પંચાયત

મેં ૧૨ સપ્ટેમ્બરથી ઇ.ચાર્જ ટીડીઓનો ચાર્જ સંભાળ્યો છે

મેં ૧૨ સપ્ટેમ્બરથી ઇ.ચાર્જ ટીડીઓનો ચાર્જ સંભાળ્યો છે. રેકર્ડ નોંધ જાેઈ ખાતરી કરીને નગરા ગ્રામ પંચાયતે કરેલી અરજીના આધારે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

• ઘનશ્યામભાઈ, ઇ.ચાર્જ-તાલુકા વિકાસ અધિકારી, ખંભાત

‘નલ સે જલ યોજના’માં પણ રાજકીય રંગ ઉમેરાયો!

શંખવા સીમ વિસ્તારમાં બોરની કામગીરીનું ખાતમૂહુર્ત ૧૩મી સપ્ટેમ્બરના રોજ ધારાસભ્ય મયુરભાઇ રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું. મજાની વાત એ છે કે, શંખવા વિસ્તાર નગરા પંચાયતના રેવન્યૂમાં સમાવિષ્ટ છે. આ વિસ્તારના મતદારોનો શકરપુર પંચાયતમાં આવે છે, જેથી ખાતમૂહુર્ત દરમિયાન શકરપુરના સરપંચ, તલાટી, સભ્યો હાજર રહ્યાં હતાં, પરંતુ નગરા પંચાયતના સરપંચ કે તલાટી કે પંચાયતને જાણ પણ કરાઈ ન હતી. એટલે નગરાના સરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી છે. એટલું જ નહીં, સરકારની ‘નલ સે જલ’ યોજનાનું સંચાલન કરતાં વાસમોના એક પણ અધિકારી અને ટીડીઓની ઉપસ્થિતિ વિના ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેને લઈને રાજકીય જૂથવાદ - ખેંચતાણને કારણે આ યોજનામાં રાજકીય રંગનો ઉમેરો થયાંની ચર્ચાએ જાેર પકડ્યું છે. હવે જાેવું રહ્યું કે, આવનાર સમયમાં નવીન બોર મારફતે રહીશોને પીવાનું પાણી મળશે કે કેમ?