એક કિલો શુદ્ધ ઘીમાં પામ ઓઇલ, વનસ્પતિ ઘી, એસેન્સ અને કલર ઉમેરી ૧૫ કિલો બનાવી વેચવાનો ગોરખધંધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   સુરત   |   792

સચિન જીઆઇડીસીમાં ધમધમતી ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરીનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ફેક્ટરીમાંથી ૧૪.૨૦ લાખ રૂપિયા કિંમતનું ૨૦૨૯ કિલો ભેળસેળયુક્ત ડુપ્લિકેટ, વિવિધ મશીનરી, ઘી બનાવવા માટેનું રો-મટીરિયલ્સ, તૈયાર ઘી, પેકિંગ માટેની સાધન સામગ્રી તથા રોકડા બે લાખ મળી કુલ ૩૫.૮૧ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે લઇ સંચાલકોની ધરપકડ કરી છે.

સ્પેશિયલ ઓપરેશન ગૃપનાં ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સ્ટાફનાં જગશી ઠાકોર તથા દેવેન્દ્ર ગઢવીને બાતમી મળી હતી કે,સચિન જી.આઇ.ડી.સી ખાતે આવેલ સબકા ફુડ્સ નામની ફેક્ટરીમાં ડુપ્લિકેટ ઘી બને છે, ભરત પોલરા તથા અમીન વઢવાણીયા કેમિકલનાં એસેન્સનો ઉપયોગ કરી ભેળસેળયુક્ત કહો કે ડુપ્લિકેટ ઘી બનાવી તેને “વિદુર ઘી” નામથી વેચી રહ્યા છે.

ખાનગી રાહે તપાસ કરાતાં જી.ઇ.બી. સબ સ્ટેશનની બાજુમાં, લક્ષ્મીપાર્કની સામે, પ્લોટ નં. આઇ/૩૩ ખાતે આ સબકા ફુડ ફેક્ટરી કાર્યરત હોવાનું જણાઇ આવ્યું હતું. પુરતી ખાતરી તપાસ બાદ આ ફેકટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી ભરત ગોગનભાઇ પોલરા (રહે, આસોપાલવ સોસાયટી વિભાગ-૦૨, પટેલ પાર્ક પાસે, કેનાલ રોડ કામરેજ. વતન:ચરખા તા.ધારી જી.અમરેલી) અને અમીન બાબુભાઇ વઢવણિયા (રહે, સોહમ એપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક સોસાયટી, ઘોડદોડ રોડ) મળી આવ્યા હતા. આ બંને સંચાલકો ઉપરાંત ત્રણ કારીગરો સુરેશ, સુભાષ અને જ્યંતિને અટકાયતમાં લઈ ફેક્ટરીની તપાસ કરાઇ હતી.

પોલીસે ફેક્ટરીમાંથી ૧૪.૨૦ લાખ રૂપિયા કિંમતનું ૨૦૨૯ કિલો ભેળસેળયુક્ત ડુપ્લિકેટ, વિવિધ મશીનરી, ઘી બનાવવા માટેનું રો-મટીરિયલ્સ, તૈયાર ઘી, પેકિંગ માટેની સાધન સામગ્રી તથા રોકડા બે લાખ મળી કુલ ૩૫.૮૧ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

ભરત અને અમીને પોલીસને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરી ચલાવે છે. તેઓ એક કિલો ચોખ્ખા ઘી માં તેલ તથા વનસ્પતિ ઘી તથા કેમિકલ (એસેન્સ) તથા કલર ઉમેરીને તેમાંથી પંદર કિલો ઘી બનાવતા આવ્યા છે. આ બનાવટી, ભેળસેળિયું ઘી ૧૦૦ મિલી લિટરનાં નાના ડબ્બાથી લઇને ૧૫ કિલો સુધીના મોટા ડબ્બાઓમાં પેકિંગ કરાતુ હતું. તેઓ સબકા ફુડ્સ નામથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મેળવેલા મેન્યુફેક્ચરિંગ લાયસન્સનાં આધારે વિદુર બ્રાન્ડથી તેનું વેચાણ કરતાં હતાં. આ ઘી સુરત શહેર તથા ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં તેમજ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં છુટક તથા જથ્થાબંધ રીતે ગાય તેમજ ભેંસનું શુદ્ધ “ઘી”તરીકે દુકાનદારો સપ્લાય કરવામાં આવતું હતું. અત્યારસુધી કેટલું ડુપ્લિકેટ શુદ્ધ ઘી સપ્લાય કરવામાં આવ્યું તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution