ખેડબ્રહ્મા નજીક પ્રેમીયુગલનો ગળેફાંસો ખાઈ આપઘાતથી પંથકમાં ખળભળાટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026  |   3168

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક વીરબાવજી મંદિર પાસે પ્રેમ પ્રકરણમાં એક યુગલે લીમડાના વૃક્ષ પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. વીરબાવજી મંદિર જવાના માર્ગ પર આવેલા એક ખેતરમાં આ ઘટના બની હતી. પ્રેમ સંબંધના કારણે આ યુવક અને યુવતીએ ખેતરમાં આવેલા એક લીમડાના વૃક્ષ પર લટકીને સાથે જ મોતને વ્હાલું કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠાની યુવતી અને ખેડબ્રહ્માના યુવક વચ્ચે પ્રેમ હતો

મળતી માહિતી અનુસાર, આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની રહેવાસી હતી, જ્યારે યુવક ખેડબ્રહ્મા પંથકનો વતની હતો. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જાે કે, કયા કારણોસર તેમણે આ આત્યંતિક પગલું ભરવું પડ્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી.

હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને પોલીસ કાર્યવાહી તેજ

ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બંનેના મૃતદેહોને વૃક્ષ પરથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખેડબ્રહ્માની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ખેડબ્રહ્મા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution