ઈ-મેઇલમાં મોબાઈલ નંબર બદલીને બિભત્સ ગ્રૂપોમાં મહિલાને એડ કરી હતી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026  |   1782

શહેરના નરોડા વિસ્તારમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં જાણીતા બિલ્ડર વિકેન નારણભાઈ પ્રજાપતિ સામે પોલીસે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આરોપ છે કે, બિલ્ડરે પાડોશમાં રહેતી એક પરિણીતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરીને તેને બિભત્સ પ્રકારના સોશિયલ મીડિયા ગ્રુપોમાં એડ કરી હોવાનો આરોપ લાગેલો છે. મળતી માહિતી મુજબ, નરોડામાં રહેતી ૩૭ વર્ષીય પરિણીતાને ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન એક અજાણ્યા ઈ-મેઈલ પરથી સંદેશો મળ્યો હતો. આ સંદેશામાં તેમના પગમાં થયેલા ફ્રેક્ચર અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાને આશ્ચર્ય થયું કારણ કે, ફ્રેક્ચર અંગેની જાણ ખૂબ જ મર્યાદિત લોકો સુધી હતી. શંકા જતાં મહિલાએ પોતાના ગૂગલ એકાઉન્ટના સેટિંગ્સ તપાસ્યા હતા, જેમાં પર્સનલ ઇન્ફોર્મેશનમાં એક અજાણ્યો મોબાઈલ નંબર એડ થયેલો જાેવા મળ્યો હતો. તપાસ કરતાં આ નંબર તેમના જ કુટુંબી અને પાડોશી બિલ્ડર વિકેન પ્રજાપતિનો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ મેટ્રોકોર્ટમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૭૮(૨) તેમજ આઈટી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) અને ૬૭ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસ ચાર્જશીટ મુજબ, આરોપીએ મહિલાના ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ ચોરી કરીને તેના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લોગ-ઈન કર્યું હતું. ત્યારબાદ મમ્મી બ્રેસ્ટફીડિંગ ગ્રુપ અને ા બીભત્સ ગ્રુપોમાં મહિલાને એડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, આરોપી સેમસંગ ગેલેકસી એસ૨૫ અલ્ટ્રાજેવા મોંઘા મોબાઈલનો ઉપયોગ કરીને મહિલાની ડિજિટલ રીતે જાસૂસી કરતો હતો. પોલીસે તપાસ દરમ્યાન એવું પણ બહાર આવ્યું છે કે, આરોપીએ અન્ય ૧૬ જેટલી મહિલાઓના પણ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હોવાની આશંકા છે. હાલ કોર્ટમાં પોલીસે ચાર્જશીટમાં ૧૩ જેટલા સાક્ષીઓના નિવેદનો અને એફએસએલના રિપોર્ટને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪માં પણ આરોપી વિરુદ્ધ આવી હરકતોના આક્ષેપ થયા હતા, પરંતુ કૌટુંબિક સંબંધોને કારણે મામલો સમાધાનથી થાળે પડ્યો હતો

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution