ગુજસીટોકમાંથી ‘આતંકવાદ’ શબ્દ હટાવાયો હવે ફોકસ માત્ર સંગઠિત ગુનાખોરી પર રહેશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   2277

ગાંધીનગર : ગુજરાત સરકારે રાજ્યના કાયદાકીય માળખામાં મોટો ફેરફાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિધાનસભાના સત્રના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સુધારા) વિધેયક, ૨૦૨૬’ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ સુધારા વિધેયક દ્વારા હાલના કાયદામાંથી ‘આતંકવાદ’ અને ‘આતંકવાદી કૃત્યો’ જેવા શબ્દો સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારના આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ છે, જેમાં આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે પહેલેથી જ કડક જાેગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મત મુજબ, જાે રાજ્ય અને કેન્દ્રના કાયદામાં એકસરખી જાેગવાઈઓ રહેશે તો તપાસ અને કાર્યવાહી દરમિયાન ગૂંચવણ સર્જાઈ શકે છે. તેથી આતંકવાદ સંબંધિત તમામ કેસો હવે રાષ્ટ્રીય કાયદા હેઠળ જ હાથ ધરાશે. આ સુધારા પછી કાયદાનું નામ બદલીને ‘ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ કરવામાં આવશે. એટલે કે, કાયદાનો વ્યાપ હવે માત્ર સંગઠિત ગુનાખોરી સુધી મર્યાદિત રહેશે. પ્રસ્તાવિત સુધારા મુજબ કલમ ૨ અને ૩માં સમાવિષ્ટ આતંકવાદી પ્રવૃત્તિઓની વ્યાખ્યા અને સજાની જાેગવાઈઓને રદ કરવામાં આવશે. સરકારના મતે, આ ફેરફાર બાદ રાજ્ય સરકાર સ્થાનિક સ્તરે કાર્યરત ગુનાહિત ગેંગ, માફિયા નેટવર્ક અને સંગઠિત ગુનાખોરી સામે વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મામલાઓ માટે કેન્દ્રીય એજન્સીઓ અને કાયદા કાર્યરત રહેશે. આ બિલ દ્વારા રાજ્યના કાયદાને નવા ફોજદારી કાયદાઓ સાથે સુસંગત બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. જૂના ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડના સ્થાને હવે નવા કાયદા—ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ—ના સંદર્ભો ઉમેરવામાં આવશે. આથી કાયદાકીય પ્રક્રિયા વધુ આધુનિક અને સ્પષ્ટ બનશે. ભલે આતંકવાદ સંબંધિત કલમો દૂર કરવામાં આવી હોય, પરંતુ સંગઠિત ગુનાખોરી સામેના કડક પગલાં યથાવત રાખવામાં આવ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓથી મેળવેલી મિલકતોની જપ્તી અને સરકાર હસ્તક લેવાની જાેગવાઈઓ વધુ મજબૂત કરવામાં આવી છે. સાથે જ, જાે કોઈ સરકારી અધિકારી પોતાની ફરજમાં નિષ્ફળ જશે, તો તેના સામે પણ ત્રણ વર્ષ સુધીની સજાની જાેગવાઈ યથાવત રહેશે. આ સુધારા વિધેયક હેઠળ પોલીસને સંગઠિત ગુનાઓની તપાસ માટે વધુ સત્તાઓ આપવામાં આવશે, જ્યારે આવા કેસો ઝડપી નિકાલ માટે વિશેષ કોર્ટ અને પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની જાેગવાઈ પણ કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution