ગુજરાત તેની સંસ્કૃતિ, ખાણીપીણી, મહેમાનગતિ માટે દુનિયાભરમા જાણીતું છે. આજ કારણ છે કે અહીં દર વર્ષે અલગ અલગ જગ્યાએથી પર્યટકો પહોંચે છે. આમ તો રાજ્યમાં ઘણી એવી જગ્યાઓ છે જે ફરવા લાયક છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ છે જે હજુ સુધી અનએક્સપ્લોર્ડ છે. તેમાંથી એક બાલાસિનોરમાં આવેલો ડાયનાસોર ફોસિલ્સ પાર્ક પણ છે.

મહિસાગર જિલ્લામાં આવેલુ બાલાસિનોર શહેર પહેલા વાલાસિનોરના નામથી જાણીતુ હતુ. અહીંના રૈયોલી ગામમાં ડાયનાસોર ફોસિલ્સ પાર્ક અને મ્યુઝિયમ છે. તેની ખાસ વાત એ છે કે તે ભારતનું પહેલુ અને વિશ્વનું ત્રીજુ ડાયનાસોર ફોસિલ્સ પાર્ક અને મ્યુઝિયમ છે.

શું છે ઇતિહાસ :વર્ષ 1980-81માં પુરાતત્વવિજ્ઞાનીઓને બાલાસિનોર પાસે રૈયોલીમાં આકસ્મિક રીતે ડાયનાસોરના હાડકા અને અવશેષો મળ્યા હતા. ત્યારબાદથી અહીંસંશોધકોની ભીડ પહોંચવા લાગી. ત્યારપછી ઘણીવાર અહીં ખોદકામ કરાયુ. જેમા જાણવા મળ્યુ કે 66 મિલિયન વર્ષ પહેલા 13થી પણ વધુ ડાયનાસોરની પ્રજાતિઓ આ જગ્યાએ ઉદ્ભવી હતી.  

સૌથી મહત્ત્વની શોધ :આજગ્યાની સૌથી મહત્ત્વની શોધ હતી રાજાસોરસ નર્મેન્દેનિસ નામનું માંસાહારી ડાયનાસોર. આ ડાયનાસોર રેક્સ(ટી રેક્સ)ની પ્રજાતિ સાથે મળતુ આવે છે, પરંતુ તેના માથા પર એક સિંગડુ અને રાજાની જેમ એક ક્રાઉન હોય છે. આજ કારણ છે કે તેને રાજાસોરસ કહેવાય છે. આ ડાયનાસોરની બીજી અશ્મિઓ નર્મદા નદીના કિનારે મળી આવી હતી અને તેથી તેના નામની પાછળ નર્મેન્દેનિસ લાગે છે. 

કેવી રીતે થયુ પાર્કનું નિર્માણ :આ ડાયનાસોરના અશ્મિ ઇંડા અને અન્ય પદાર્થોને ફ્રીજ કરીને આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યુ છે. પાર્કની સાથે આધુનિક ટેકનોલોજી દ્વારા 10 ગેલરી વાળું મ્યુઝિયમ બનાવાયુ છે. તે ડાયનાસોરની ઉત્પતિ અને વિકાસ અંગે ઐતિહાસિક વિવરણ આપે છે 

ગાઇડની મદદ લો :લગભગ 52 હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કમાં લગભગ દરેક જગ્યાએ ડાયનાસોરના ઇંડાના અશ્મિના લોકેશન્સ છે, આ સંજોગોમાં પાર્કમાં ફરવા માટે ગાઇડ કરવો બહેતર રહેશે. ગાઇડની મદદથી તમે સરળતાથી લોકેશન્સ અંગે જાણી શકશો. એટલું જ નહીં પાર્કમાં તમને ટાયેનોસોરસ રેકસ અને બ્રોન્ટોસોરસના મોટા મોટા સ્ટેચ્યુ જોવા મળશે. 

કેવી રીતે પહોંચશો :અમદાવાદથી આ ડાયનાસોર પાર્ક લગભગ 103 કિમીના અંતરે છે. અહીં પહોંચવા માટે સૌથી બેસ્ટ તમારુ ખુદનું વાહન છે. 103 કિમીના અંતરને પુરુ કરતા તમને લગભગ બેથી અઢી કલાકનો સમય લાગે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમય અહીં ફરવા માટે બેસ્ટ છે. આ સમયે અહીં હવામાન સારું હોય છે.