યાર્ન અને કોલસાનાં ભડકે બળતાં ભાવોની સમસ્યાઓનું કોઇ સમાધાન નહીં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   1188

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રવિવારે સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને એકત્રિત કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઉદ્યોગોને શું તકલીફો પડી રહી છે એનું નિરાકરણ લાવી આપવા માટે કવાયત હાથ ધરી. મિટીંગ પૂર્ણ થઇ ત્યારે સુરતના ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાણે ઓન ધ સ્પોટ પ્રશ્નો ઉકેલી નાંખ્યા એવી વાહવાહી કરતા વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતા કર્યા જેનાથી ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને આશ્ચર્ય થયું કેમકે કાપડ ઉદ્યોગને સ્પર્શતી બે મોટી સમસ્યાનું તો કોઇ સમાધાન સધાયું જ નથી. મિટીંગ પછી ઉદ્યોગકારોએ મને-કમને પણ વાહવાહી કરતાં નિવેદનો આપવા પડ્યા હતા.

કોલસાની સમસ્યાનું નક્કર કોઈ નિરાકરણ નહીં

કોલસાનાં ભડકે બળતા ભાવો અંગે શું ર્નિણય લેવાયો એ અંગે સરકારી પ્રેસનોટમાં કોઇ જ ફોડ પાડવામાં આવ્યો ન હતો. સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને કોલસાના ભડકે બળતા ભાવોને કારણે સપ્તાહમાં બે દિવસ મિલો બંધ રાખવાનો ર્નિણય અમલમાં મૂકી દીધો છે. મિટીંગમાં પ્રોસેસર્સ એશોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયા એટલું બોલ્યા કે કોલસાના ભાવો અંગે સરકારી અધિકારીઓ સાથે મિટીંગ થઇ છે પરંતુ, એ મિટીંગ પછી ટેક્ષટાઇલ પ્રોસેસર્સ કે મિલોના સંચાલકોને ક્યાંથી કોલસો મળશે, કેટલા ભાવે કોલસો મળશે, ક્યારે કોલસો મળશે, કેવી રીતે મળશે એ અંગેની કોઇ જ જાણકારી માહિતી ખાતાની કે સરકારી પ્રેસનોટમાં આપવામાં આવી ન હતી.

યાર્નનાં બેફામ ભાવ વધારા અંગે કોઈ ચર્ચા પણ નહીં

પશ્ચિમ એશિયામાં ઇરાન વિરુદ્ધ અમેરીકા-ઇઝરાયેલ વચ્ચે જેવું યુદ્ધ ફાટી નીકળ્યું તેના ત્રીજા જ દિવસે શહેરના યાર્ન ઉત્પાદકો, યાર્ન વિતરકોએ પોલીએસ્ટર, નાયલોન અને વિસ્કોસ યાર્નના ભાવોમાં તોતિંગ વધારો કરી દીધો. આખા દેશમાં સૌથી મોટો વીવીંગ ઉદ્યોગ સુરતનો છે અને તેની મુખ્ય સમસ્યા યાર્નના ભડકે બળતા ભાવોની છે. આ સમસ્યા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવેલી બેઠકમાં કોઇ ચર્ચા જ ન થઇ અને ઉદ્યોગકારોએ પણ કોઇ ચર્ચા કરી નહીં. જે લોકો યાર્નના ઉત્પાદકો છે એ પણ સુરતના જ છે અને કોઇપણ જાતની મિકેનિઝમ વગર યાર્ન ઉત્પાદકોએ કુત્રિમ રીતે અછત ઉભી કરીને યાર્નના ભાવો મનસ્વી રીતે વધારી દીધા છે. મધર યાર્નના ઉત્પાદકોએ તો મનસ્વી રીતે ૧૦મી માર્ચ પહેલા જેમણે એડવાન્સ ઓર્ડરો આપી દીધા હતા તેમના ઓર્ડરોને પણ ગેરકાનૂની રીતે હોલ્ડ પર મૂકી દીધા છે. રાજ્ય સરકાર ઇચ્છે તો અનેક મુદ્દાઓ પર બ્લેકમાર્કેટિંગના કેસ સ્પીનર્સ કે યાર્ન વિતરકો પર કરી શકે તેવા સંગીન કારણો છે. પરંતુ, આ મુદ્દા પર હર્ષ સંઘવીની બેઠકમાં કોઇ જ ચર્ચા થઇ ન હતી જેને કારણે સુરતના વીવીંગ ઉદ્યોગકારોમાં આ મિટીંગ અંગે અનેક ખરીખોટી ચર્ચાઓને સ્થાન મળ્યું હતું.

૫ કિલોનાં સિલિન્ડરની વ્યવસ્થા કરાશે પણ કોણ વિતરણ કરશે, કોને અપાશે, કેવી રીતે અપાશે, ક્યાંથી અપાશે એની હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી

ત્રીજાે મહત્વનો મુદ્દો એ છે કે સુરતમાંથી વતન વાપસી કરી રહેલા પરપ્રાંતિય શ્રમજીવીઓને સુરતમાં રસોઇ બનાવવામાં પડી રહેલી ઇંધણની સમસ્યા નિવારવા માટે ૫ કિલોના ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા થઇ અને એ અંગે મોટા ઉપાડે જાહેરાત પણ કરવામાં આવી છે. ગેસ સિલિન્ડર એવી વસ્તુ છે કે જેના ઇનવર્ડ અને આઉટવર્ડ રજિસ્ટર નિભાવવા પડે છે. શ્રમજીવીઓને કેવી રીતે સિલિન્ડર આપવામાં આવશે, તેનું વિતરણ કોણ કરશે, ક્યારથી સિલિન્ડર વિતરણ કરાશે એ અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમા મિલ માલિકો કે કારખાનેદારો પોતાના શ્રમજીવીઓને શું જવાબ આપવો એ અંગે માથું ખંજવાળતા જાેવા મળ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution