વડોદરા, તા.૨૦

વડોદરા શહેરમાં ડાર્ક ઝોન મનાતા દક્ષિણ વિસ્તારને સિંધરોટ નવી પાણીની યોજનામાંથી પ૦ એમએલડી પાણી મળતું થતાં દક્ષિણ વિસ્તારના કાઉન્સિરોએ આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ સાથે આ પાણીનો જથ્થો આવો જ મળતો રહે તેવી ટકોર પણ કરી હતી. જ્યારે ઉત્તર વિસ્તારના વોર્ડ નં.૧ અને ર તેમજ પૂર્વના કાઉન્સિલરે હવે અમારા વિસ્તારમાં પણ પૂરતું પાણી આપો તેવી માગ કરી હતી.

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્યસભામાં ભાજપા પક્ષના નેતા સહિત દક્ષિણ વિસ્તારના કાઉન્સિરોએ સિંધરોટ પાણીની યોજનામાંથી પ૦ એમએલડી પાણી મળતું થતાં પહેલાં જમીનની નીચે બે-ત્રણ ફૂટે પાણી મળતું નથી, હવે રસોડાના નળમાં પણ પાણી મળી રહ્યું છે તેમ કહીને મેયર અને માંજલપુરના ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાઉન્સિલરોએ એમ પણ કહ્યું હતું કે, પાછલાં અનેક વરસોથી કાઉન્સિલરોએ જે મુશ્કેલીનો સામનો કર્યો, પરંતુ હવે વિસ્તારમાં પાણી મળતું થયું છે. ત્યારે આવું જ પાણી કાયમ મળતું રહે તેવી ટકોર પણ કરી હતી. જ્યારે પાલિકાની પાણી પુરવઠા સમિતિના ચેરમેને કહ્યું હતું કે, આ પ્રોજેકટ માટે જમીનનો વિવાદ હતો, તેનું નિરાકરણ થયું અને પ્રોજેકટ શરૂ થયો. ધારાસભ્ય, મેયર સહિતની ટીમના પ્રયાસથી પાણી મળતું થયું છે. હાલ આ પ્રોજેકટમાંથી પ૦ એમએલડી પાણી લઈ રહ્યા છે. બીજું પ૦ એમએલડી લેવું હોય તો પણ લઈ શકાશે. ત્યાં વીજ કંપનીની ફિડર પણ આવી ગઈ છે.

જાે કે, મેયરે હળવી ક્ષણોમાં હસતાં હસતાં કહ્યું હતું કે, દુઃખ વહેંચો તો બધાને વહેંચો તેમ કહેતા હતા. હવે સુખ વહેંચો તો તે પણ બધાને વહેંચો તેમ કહેતાં સભામાં હાસ્યનું મોજું ફેલાયંુ હતું. જાે કે, વોર્ડ નં.૧ અને રના કાઉન્સિલર તેમજ પૂર્વ વિસ્તારના એક કાઉન્સિલરે હવે અમારા વિસ્તારમાં પણ પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવો તેવી માગ કરી હતી.

લક્ષ્મીપુરા ખાતે પાણીની ટાંકી બનાવવા માગ

ભાજપાના કાઉન્સિલર શ્રીરંગ આયરેએ જણાવ્યું હતું કે, લક્ષ્મીપુરામાં પાણીની ટાંકી બનાવવા મંજૂરી મળી છે. આ ટાંકી વુડા પાસે જમીન લઈને બનાવવાની હતી, પરંતુ વુડાએ જગ્યા રદ કરીને રૂા.૧૦ કરોડની માગણી કરી છે. આ વિસ્તારમાં નવા આવાસો બની રહ્યાં છે તેમને પાણી ક્યાંથી આપીશું. તેથી નવી ટાંકી બનાવવા રજૂઆત કરી હતી.