ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચે આ વખતે 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને દિવ્યાંગો માટે મોટી વ્યવસ્થા કરી છે. આ વયજુથના તથા દિવ્યાંગ લોકો પોતાના ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. આ સરળ વિકલ્પ માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. 80 વર્ષથી વધારે ઉંમરના મતદારો અને જુદી-જુદી રીતે દિવ્યાંગ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ યુવાનો કરતા થોડો વધારે જોવા મળે છે.

પણ ઉંમર અને શારીરિક સક્ષમતા ન હોવાને કારણે તેમને મતદાન કેન્દ્ર સુધી લાંબુ થવું પડે છે. તો ક્યારેક મત આપવાનો અધિકાર જતો કરવો પડે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે એસેસિબલ વોટિંગ અને સુરક્ષિત મતદાર, શુદ્ધ લોકતંત્રના સુત્રને ધ્યાને લઈને આવા લોકો માટે ઘરબેઠા સરળ ટપાલ મતદાનનો મોટો વિકલ્પ આપ્યો છે. આ વિકલ્પ મતદાતાઓનો જુસ્સો ટકાવી રાખવા માટે મદદરૂપ સાબિત થશે. દેશના ચૂંટણીપંચે જાહેર કર્યા અનુસાર, 147 કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કમાં 16 ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો સ્વીકારી શકાશે. આ ઉપરાંત કરજણ કચેરી તરફથી 80 વર્ષથી વધુ ઉંંમરના મતદારો તથા જુદી જુદી ખામીને કારણે દિવ્યાંગ મતદારો પાસેથી ટપાલ મતદાન વિકલ્પોનો સ્વીકાર કરતા ફોર્મ ભરાવી રહ્યા છે.

કરજણ બેઠકના નક્કી થયેલા 311 મતદાન મથકો ખાતે વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મળીને કુલ 4520 મતદારો નોંધાયેલા છે. ચૂંટણી અધિકારી કે.આર. પટેલે જણાવ્યું હતું કે, આ મતદારોએ ઘરેબેઠા મતદાન સુવિધા મેળવવા ફોર્મ 12 ડીમાં વિકલ્પ ભરી ચોક્કસ સમય મર્યાદામાં ચૂંટણી વિભાગ સુધી પહોંચાડવાના છે. આ શ્રેણીના મતદારો ખૂબ સરળતાથી આ ફોર્મ મેળવી શકે છે. જે ભરીને પરત આપવાનું રહે છે. અધિકૃત ટપાલ મતપત્ર મેળવી શકે છે અને મતદાન કરેલું પત્ર બંધ કવરમાં ચૂંટણી વિભાગ સુધી પહોંચતું કરી શકે છે. આ માટે ચૂંટણી પંચે તૈયાર કરેલા નિયમ પ્રમાણે ચુસ્ત અને વ્યવસ્થિત પગલાં લેવામાં આવ્યા છે. અત્યારે 311 મતદાન મથકો ખાતે નોંધાયેલા ઉપરોક્ત શ્રેણીના 4520 મતદારો સુધી 31 સુપરવાઈઝરી અધિકારીઓની દેખરેખ હેઠળ 246 બી.એલ.ઓ. ના માધ્યમથી ફોર્મ 12 ડી પહોંચાડવામાં આવી રહ્યાં છે. અત્યારસુધીમાં કરજણ વિસ્તારના 4185 મતદારો સુધી ફોર્મ પહોંચી ગયા છે. રવિવારે રજા હોવા છતા BLOએ આ પ્રકારની કામગીરી યથાવત રાખી છે. જ્યારે કુલ 149 મતદારોએ ટપાલ મતદાન માટેનો વિકલ્પ પસંદ કરી ફોર્મ પરત કર્યા છે. 335 જેટલા મતદારોને ફોર્મ પહોંચાડવાના બાકી છે. BLO આ તમામ કામગીરી કરી રહ્યા છે. 13 ઑક્ટોબર સુધીમાં આ કામગીરી પૂરી કરી દેવાની છે. આ તમામ ભરેલા ફોર્મની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. એક વખત તપાસ કર્યા બાદ એની એક યાદી તૈયાર કરવામાં આવશે. આમ તો યંત્રથી મતદાન થાય છે પણ ઉમેદવારો અંતિમ થઈ ગયા હોવાને કારણે આ માટે ખાસ મતપત્ર છાપવામાં આવે છે. ત્યારબાદ સુરક્ષિત કરેલા પોસ્ટલ બેલેટ પહોંચાડવામાં આવશે. મતદાન કરીને આ મતપત્ર મોડામાં મોડા 2 નવેમ્બર સુધી વિભાગને પહોંચાડવાના રહેશે.