લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026 |
2475
દેશમાં સૌર ઊર્જા ક્ષેત્રને વધુ આર્ત્મનિભર અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારના નવી અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા આવતીકાલ તા.૧ જૂન ૨૦૨૬થી એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સનો અમલ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. હવે સરકારી યોજનાઓ, નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ સહિતના મોટા ભાગના સોલાર પ્રોજેક્ટ્સમાં વપરાતા સોલાર મોડ્યુલ્સમાં માત્ર એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સમાં સમાવિષ્ટ સેલ્સનો જ ઉપયોગ કરી શકાશે. જાણકારોનું કહેવું છે કે દેશમાં જ્યાં સૌથી વધુ સંખ્યામાં રૂફટોપ સોલાર પ્લાન્ટ લાગી ચૂક્યા છે એ સુરતમાં આ ફેરફારની ઝાઝી અસર વર્તાશે.એપ્રુવ્ડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સમાં તમામ ભારતીય ઉત્પાદકો જ છે, હવે આયાતી સોલાર પેનલનો ઉપયોગ કરી શકાશે નહીં. આયાતી સોલાર પેનલ નાંખનારને કેન્દ્ર સરકાર સબસિડીને પાત્ર પણ ગણશે નહીં.
રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં દેશનું અગ્રણી શહેર ગણાતા સુરતમાં આ ર્નિણયની અસર સીધી જોવા મળશે. અત્યાર સુધી અનેક કંપનીઓ વિદેશોમાં, મોટા ભાગે ચીનમાં જ ઉત્પાદિત સેલ્સથી બનેલા મોડ્યુલ્સ તેમજ પેનલ્સનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા મંજૂર ઉત્પાદકોના સેલ્સ જ વાપરવાના રહેશે. કેન્દ્ર સરકારે જે ઉત્પાદકો મંજૂર કર્યા છે એ યાદીમાં માત્રને માત્ર ભારતીય ઉત્પાદકોનો જ સમાવેશ થાય છે. આ ર્નિણયની જાહેરાત ડિસેમ્બર ૨૦૨૪માં કરી દેવામાં આવી હતી. એ સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગુણવત્તા, લાંબા ગાળાની કાર્યક્ષમતા અને ઊર્જા સુરક્ષા વધશે, પરંતુ શરૂઆતમાં ખર્ચમાં વધારો અને સપ્લાય સંબંધિત પડકારો પણ ઉભા થઈ શકે છે. સુરતમાં હજારો રહેણાંક, કોમશિર્યલ અને ઔદ્યોગિક રૂફટોપ સોલાર પ્રોજેક્ટ્સ કાર્યરત છે. સ્થાનિક એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન કંપનીઓનું માનવું છે કે નવા નિયમથી બજારમાં નીચી ગુણવત્તાવાળા મોડ્યુલ્સ અને સસ્તા આયાતી સેલ્સનો પ્રવેશ ઘટશે. બીજી તરફ, ગ્રાહકોને અગાઉની સરખામણીએ પ્રતિ કિલોવોટ ખર્ચમાં થોડો વધારો સહન કરવો પડી શકે છે. તાજેતરમાં ઉદ્યોગ સંસ્થાઓ દ્વારા સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી હતી, ૧ જૂન ૨૦૨૬ની સમયમર્યાદા યથાવત રહેશે અને માત્ર ખાસ કેસોમાં જ રાહત આપવામાં આવશે.
સોલારમાં દેશી બનાવટની પેનલોનાં ફરજિયાત વપરાશની નેગેટિવ ઇફેક્ટ
જાણકારોનું કહેવું છે કે આવતીકાલ તા.૧લી જૂન ૨૦૨૬થી ભારતમાં સોલાર પાવર સીસ્ટમ વિકસાવવા માટે સેલ્સ કે પેનલ કોઇપણ ચીજવસ્તુઓ માન્ય ઉત્પાદક અને માન્ય મોડેલ, એટલે કે ડોમેસ્ટિક ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓનો જ ફરજિયાત વપરાશ કરવાનો રહેશે. આ કારણથી પ્રોજેક્ટ કોસ્ટ વધી શકે છે. સ્થાનિક સેલ્સની કિંમત આયાતી વિકલ્પોની સરખામણીએ વધુ હોવાની ફરીયાદો કેન્દ્ર સરકારને કરી દેવામાં આવી છે. એવી જ રીતે જે રીતે સુરત, ગુજરાતમાં લોકો ધડાધડ સોલાર સીસ્ટમ વિકસાવી રહ્યાં છે એ જોતા બજારમાં માગ વધતાં અમુક સમય માટે સેલ્સની ઉપલબ્ધતા મર્યાદિત રહી શકે છે. નાના ઇપીસી કોન્ટ્રાક્ટરોને સ્ટોક મેનેજમેન્ટ અને પ્રોક્યોરમેન્ટ ખર્ચ વધવાથી નાના ખેલાડીઓને મુશ્કેલી પડી શકે.