લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
3069
ગઇ તા.૨૮મી ફેબ્રુઆરીનાં રોજ અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પર કરાયેલા હુમલાના ત્રીજા જ દિવસથી સુરતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારો અને કામદારોની પરેશાની શરૂ થઇ ગઇ હતી. સ્પીનરો દ્વારા યાર્નના ભાવોને મનસ્વી રીતે અસામાન્ય રીતે વધારી દેવામાં આવ્યા અને બીજી તરફ કામદારોને ગેસ સિલિન્ડર મળવાનું બંધ થયું. યાર્નનાં ભાવ મોંઘા થઇ જતા કાપડ ઉદ્યોગમાં કામકાજ ઘટી ગયું અને આજે સાવ ૫૦ ટકા પર સીમિત થઇ ગયું એટલે શ્રમજીવીઓની રોજગારી આપોઆપ ઘટી ગઇ છે અને બીજી તરફ શ્રમજીવીઓને ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. આ અંગે સ્થાનિક ઉદ્યોગકારોએ સરકારનાં મંત્રીઓની મીટિંગોમાં સમસ્યા ઉજાગર કરવાની કોશિષ કરી તો તેમના મોઢાં સીવી દેવાયા હતા. ઉદ્યોગકારોને રીતસર કહી દેવામાં આવ્યું કે ગમે તેટલી મુશ્કેલી હોય થોડા દિવસોમાં પૂરી થઇ જશે. પરંતુ, આ મુશ્કેલી પૂરી થવાની જગ્યાએ વકરી ગઇ અને રોજગારી અને ગેસ સિલિન્ડર નહીં મળે તેવી શંકા વાસ્તવિકતામાં તબદિલ થતી જોવા મળતા શ્રમજીવીઓ દિન પ્રતિદિન સુરત છોડીને વતન ભેગા થવા માંડ્યા.
મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં આજે ઉધના સ્ટેશન પર વતન જવા માટે ટ્રેનની વાટ જોતા હજારો શ્રમજીવીઓ માત્ર બે ટ્રેન હોવાથી બેકાબૂ બન્યાં હતાં. ખોરાક-પાણી વિના કલાકોથી ઉધના સ્ટેશને ટ્રેનની વાટ જોઇને બેઠેલાં હજારો શ્રમજીવીઓની ધીરજ ખૂટી પડતાં ટ્રેનમાં બેસવા પડાપડી થઇ હતી, ભીડને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ધક્કામુક્કીમાં ત્રણેક શ્રમજીવી બેભાન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કાપડ ઉદ્યોગકારો કહે છે કે આવી ઘટના નિવારી શકાઇ હોત જો માર્ચ મહિનામાં ઉદ્યોગકારોએ કરેલી રજૂઆતો પર ધ્યાન આપીને પ્રશ્નો ઉકેલી શકાયા હોત. આજની ઘટના પછી શ્રમિકોમાં વતન વાપસીનાં વિચારો વધુ દૃઢ બન્યા હોવાનું તેમની વાતો પરથી જણાય રહ્યું છે.
સ્થાનિક ઉદ્યોગકારો સરકાર સામે કોઇ જ મુશ્કેલી કે રજૂઆતો કરી શકતા નથી અને જે લોકો આવી રજૂઆતો કરે છે તેમની સામે અનેક પ્રકારની સરકારી કાર્યવાહીની તલવાર લટકે છે એટલે કોઇ બોલવા તૈયાર થતું નથી. પરંતુ, આજે જે થયું છે તેનાથી ઉદ્યોગને મોટું નુકસાન પહોંચશે તેવી દહેશત જરૂર વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન સાવ ઘટી ગયું છે તેની પાછળ રહેલા કારણો જાણીને તેમાં રાહત આપવાની કોશિષ કરવી જોઇએ નહીં કે હિજરતને દબાવી રાખવા માટે પ્રયાસો કરવા જોઇએ.
જો સરકારે સ્પીનર્સને કાબૂમાં લઇને તેમના દ્વારા મનસ્વી રીતે વધારી દેવાયેલા યાર્નના ભાવને સિમીત રાખ્યા હોત તો ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ઉત્પાદન કાપ ઓછો મૂકાયો હોત અને તેની સીધી અસર શ્રમિકોની રોજગારી પર વર્તાઇ હોત. શ્રમિકો બે બાજુએથી ઘેરાયેલા છે. એક તો રોજગારી પહેલા જેવી નથી કેમકે ઉદ્યોગમાં જ ઉત્પાદન ઘટીને ૫૦ ટકા થઇ ગયું છે. અને બીજી બાજુ સિલિન્ડરની અછત છે એટલે રાંધવાની સમસ્યા. આ બંનેમાંથી સરકારી અધિકારીઓ એકાદ સમસ્યા પણ ઉકેલી શક્યા હોત તો આજે શ્રમજીવીઓ સાથે ઉધના રેલવે સ્ટેશને જે ઘટના બની તે કદાચ નિવારી શકાઇ હોત.