લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
2277
પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નવાપુર અને તેની આસપાસના મરઘાં પાલન કેન્દ્રોમાં હાલ બર્ડ ફ્લૂના રોગચાળાનો ભારે વાવર ચાલી રહ્યો હોવાથી મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતનાં સ્થાનિક મરઘાં બજાર તેમજ લોકોમાં ભયનો માહોલ છે. બર્ડ ફ્લૂ રોગની દહેશત સમયે બારડોલીમાં જાહેર સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બારડોલી-પલસાણા નેશનલ હાઇવે નંબર ૫૩ પર નાંદીડા ગામની સીમમાંથી વહેતી મીંઢોળા નદીનાં પુલ પરથી ટેમ્પોમાં ભરીને લાવવામાં આવેલા મૃત મરઘાં નદીમાં ફેંકીને નિકાલ કરવાનું કૌભાંડ પકડાયું છે. નાંદીડા ગામનાં સરપંચ અક્ષય ગણપત રાઠોડને ગામનાં મયુર રાઠોડે આ બાબતે જાણ કરતાં તેઓ તુર્ત જ પુલ ઉપર પહોંચી ગયાં અને જાેયું તો ટેમ્પોમાં મૃત મરઘાં હતાં અને ટેમ્પો ચાલક અને તેનાં સાગરિતો મૃત મરઘાં નદીમાં ફેંકીને નિકાલ કરી રહ્યાં હતાં. અક્ષય રાઠોડે બુમ પાડીને મરઘાનો નદીમાં નિકાલ નહીં કરવા જણાવ્યું અને તુર્ત જ બારડોલી નગર પાલિકાનાં અધિકારીઓને જાણ કરી હતી. નગરપાલિકાનાં અધિકારીઓ, વેટરનરી ડોક્ટર ડો.આકાશ તેમજ બારડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત મરઘાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.
જી.જે.-૧૯/૬૮૩૦ નંબરનાં ટેમ્પોનાં ચાલક સુરતનાં મહંમદ રઝાક ખાન અને તેનાં બે સાગરિતો ટેમ્પોમાં ૨૦૦૦ મૃત મરઘાં લઇને આવ્યા હતાં અને તમામનો મીંઢોળા નદીમાં નિકાલ કરવાનાં હતાં. મૃત મરઘાં નદીમાં નાંખવાથી પાણીમાં રહેતાં જીવો, નદીનાં પાણી ઉપર નભતાં જીવો તેમજ માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર થઇ શકે તેવું કૌભાડં હતું.
નદીના પાણીને પ્રદૂષિત અને રોગચાળો ફેલાવવાની આ કાવતરાખોર પ્રવૃત્તિ પર ત્યાંથી પસાર થતાં બારડોલી નગરપાલિકાના કર્મચારીઓની નજર પડી હતી. તેમણે સહેજ પણ સમય ગુમાવ્યા વિના પોતાના ઉપરી અધિકારીઓને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાં જ વહિવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને બારડોલી નગરપાલિકાની ટીમ, નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મરઘાંમાં બર્ડ ફ્લૂની આશંકા હોવાને કારણે પશુચિકિત્સક વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેમણે બર્ડ ફ્લૂની આશંકાથી આગળની તપાસ માટે મૃત મરઘીઓનાં સેમ્પલ લઇ પશુ રોગ સંશોધન કેન્દ્રનાં અધિકારીને આપ્યાં હતાં.
આ ગુનાહિત કૃત્ય અંગે નાંદીડા ગ્રામ પંચાયતનાં સરપંચ અક્ષય રાઠોડે બારડોલી ટાઉન પોલીસને સત્તાવાર ફરિયાદ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી મહંમદ રઝાકખાન સહિત ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ નિકાલ માટે વપરાયેલો ટેમ્પો પણ કબ્જે કર્યો છે.
વહિવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ મૃત મરઘીઓનો સરકારી ગાઇડલાઇન મુજબ સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.