તિરુપતિ માર્કેટનાં પાર્કિંગમાં ત્રણ શ્વાનનો બાળક ઉપર હુમલો, ૧૫ ફુટ ઢસડી જઇ આખા શરીરે બચકાં ભર્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   1980

સુરત શહેરમાં ડોગબાઇટનાં બનાવોમાં એકાએક વધારો થતાં એગ્રેસિવ સ્ટ્રે ડોગને લઇને લોકોમાં ગભરાટનો માહોલ જાેવા મળી રહ્યો છે. રિંગરોડ ઉપર બેગમવાડી વિસ્તારમાં આવેલી તિરૂપતિ માર્કેટનાં પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતાં શ્વાનોનાં ટોળાએ હુમલો કરી ૧૦થી ૧૫ ફુટ સુધી ઢસડી જઇને બચકાં ભરતાં બાળકની હાલત ખરાબ થઇ ગઇ હતી. રખડતાં શ્વાનો દ્વારા કરાયેલાં હુમલાની સમગ્ર ઘટના માર્કેટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના ફૂટેજ વાયરલ થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.

સલાબતપુરા નવાબની ચાલમાં રહેતો ૯ વર્ષનો માસૂમ બાળક મોહંમદ હમદાન મોહંમદ સાદિક સિદ્દીક તિરૂપતિ માર્કેટનાં પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ જેટલા હિંસક રખડતાં શ્વાનોએ તેના પર તરાપ મારી હતી. શ્વાનોએ બાળકને જમીન ઉપર પછાડી બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. ત્રણેય શ્વાન બાળકને ૧૦થી ૧૫ ફૂટ સુધી ઢસડી ગયા હતા. અસહાય બાળક શ્વાનોનાં પંજામાંથી બચવા હવાતિયાં મારતો રહ્યો અને શ્વાનો તેને સતત ૪૦ સેકન્ડ સુધી ફાડી ખાવાનો પ્રયાસ કરતા રહ્યાં હતાં. જાે કે, બાળકનું આક્રંદ અને શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને આસપાસનાં વેપારીઓ અને લોકો દોડી આવ્યા અને હિંસક શ્વાનોને ભગાડ્યા હતાં. લોહીલુહાણ હાલતમાં બાળકને શ્વાનોનાં મોંમાંથી છોડાવ્યું હતું. હુમલામાં બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, તિરૂપતિ માર્કેટ અને તેની આસપાસનાં વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ભારે ત્રાસ છે. સુરત મહાનગરપાલિકામાં અનેકવાર મૌખિક અને લેખિત ફરિયાદો કરવામાં આવી હતી છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના પરિણામે આ માસૂમ બાળક તેનો ભોગ બન્યો છે. બીજા એક બનાવમાં કોટ વિસ્તારનાં રોહિત મોહલ્લામાં બકરીઈદમાં કુરબાની માટે લાવેલા ત્રણ બકરા ઉપર તા.૨૪મીએ રાત્રે હુમલો કરી રખડતાં શ્વાનોએ શિકાર કરતા લોકોમાં ડરની સાથે રોષ જાેવા મળી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ડોગ બાઈટની ૬ ઘટના બની છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution