અમદાવાદ જિલ્લામાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના કરૂણ મોત નિપજ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   1782

અમદાવાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ બનેલા ત્રણ ગંભીર અકસ્માતોએ ચિંતા વધારી છે. જેમાંથી ૨ અકસ્માતમાં બાવળા-બગોદરા હાઇવે પર યાત્રીઓ માતાજીના દર્શનાર્થે ધાર્મિક સ્થળે જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા ૧-૧ શ્રદ્ધાળુના મોત નિપજ્યાં છે. ત્યારે ત્રીજા અકસ્માત ડમ્પર અને ઇકો કાર વચ્ચે થયો છે, તેમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. પ્રથમ અકસ્માત બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા પાટિયા નજીક થયો હતો. ગાંધીનગરથી ખોડીયાર માતાજીના દર્શને ભાવનગર જઈ રહેલા પદયાત્રીઓના સંઘ સાથે આ દુર્ઘટના બની હતી. આશરે ૪૦ લોકોનો સંઘ રાત્રે રોહીકા મુકામે રોકાયો હતો અને વહેલી સવારે ત્રણ વાગ્યે માતાજીનો રથ લઈ આગળ વધતા હતા. ત્યારે એક ટ્રક ચાલકે રથને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રથ ખેંચી રહેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બગોદરા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બીજાે બનાવ બગોદરા ટોલ નાકા નજીક હિટ એન્ડ રનનો નોંધાયો હતો. અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ ઘટનામાં ૨૩ વર્ષીય ગોપાલ પઢિયાર (રહે. પલાણા, તાલુકો વસો, જિલ્લા ખેડા)નું મોત થયું હતું. તે પોતાના સાળા સાથે ચોટીલા માતાના દર્શને જઈ રહ્યો હતો. ઘટના સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યે બની હતી. ત્રીજાે અકસ્માત ધંધુકા-ધોલેરા રોડ પર રોજકા ગામ પાસે થયો હતો, જ્યાં ડમ્પર અને ઈકો કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ગોપીબેન ચૌહાણ (ઉંમર ૨૫, ગામ ખોપાળા, બોટાદ)નું મોત થયું હતું, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution