લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
1881
અમદાવાદના સરખેજમાં એમ્બરગ્રીસ(વ્હેલ માછલીની ઉલ્ટી)વેચવા આવેલા ત્રણ વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી હતી. મોરબીના વ્યક્તિએ આપેલી ૧.૮૨ કરોડની એમ્બરગ્રીસ સાથે ૩ વિદ્યાર્થીઓ સરખેજ રીંગ રોડ પર ઊભા હતા, ત્યારે ઝોન ૭ એલસીબીએ ત્રણેયને ઝડપી લીધા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ બીએ, એલ એલ બીઅને બીકોમના વિદ્યાર્થીઓ છે. ઝોન ૭ એલસીબી ટીમને બાતમી મળી હતી જેના આધારે સરખેજ એસ.પી રીંગ રોડ પર સનાથલ બ્રીજની નીચે વિશ્વરાજસિંહ ચુડાસમા, દર્શન સભાદ અને વીરપલસિંહ રાઠોડ નામના ત્રણ યુવકો ઊભા હતા, તેની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેયની તપાસ કરતા તેમની પાસેથી બેગમાંથી એમ્બરગ્રીસ મળી આવી હતી. ત્રણેય યુવકો ૧.૮૨ કિલો એમ્બરગ્રીસનો જથ્થો જેની કીમત ૧.૮૨ કરોડ છે જે કોઈને વેચવા ઊભા હતા.જાેકે યુવકો આ જથ્થો વેચે તે અગાઉ જ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણેય આરોપીઓ ઉચ્ચ શૈક્ષણિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં વીરપાલસિંહ રાઠોડ (બી.કોમ.) ચાંદખેડામાં પાન પાર્લર ચલાવે છે, અને તેમની જ દુકાને દર્શન સાબડ (બી.એ. થર્ડ યર) કામ કરતો હતો. આ સિવાય લીંબડીના રહેવાસી વિશ્વરાજ ચુડાસમા એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે અને તે આ બંનેનો મિત્ર હોવાથી ત્રણેય એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર્શન સાબડના ખેતરમાં કામ કરતા એક મજૂર મારફતે આ ત્રણેય યુવકો મોરબીના હસમુખ પટેલ નામના વ્યક્તિના સંપર્કમાં આવીને જથ્થો વેચવા માટે લાવ્યા હતા.