લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
વડોદરા |
2376
વડોદરામાં રામનવમીની ઉજવણીની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. સાંસ્કૃતિક શહેરમાં રામનવમીની ૨૩ શોભાયાત્રા નીકળશે અને ૧૨ જેટલા સ્થળોએ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મોટી સંખ્યામાં શોભાયાત્રાને કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રામનવમીના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને સાંસ્કૃતિક નગરી વડોદરામાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે વડોદરા પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ કડક બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
વિશેષ કરીને સિટી પોલીસ સ્ટેશન અને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થનારી શોભાયાત્રાના રૂટ પર પોલીસ કાફલા દ્વારા ‘ફૂટ પેટ્રોલિંગર્ િંકરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં જવાનોએ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ધાબા પોઈન્ટ ચેકિંગ અને સાંકડી ગલીઓમાં થતી હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે પણ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.