કેવડિયાથી અમદાવાદ સી-પ્લેનના ભાડા અંગે પ્રવાસીઓ નારાજ, જાણો શું કહ્યું..
12, નવેમ્બર 2020

નર્મદા-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31મી ઓક્ટોબરના રોજ કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સી-પ્લેન સેવા શરૂ થયાના ત્રીજા દિવસે જ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની સવારની પહેલી ફલાઇટ ફુલ થઈ ગઈ હતી. ગુરુવારે સવારે ઊપડેલી ફ્લાઈટમાં 15 લોકો રૂપિયા 1590ની ટિકિટ લઈ સી-પ્લેનમાં કેવડિયા પહોંચ્યા હતા. જોકે સી-પ્લેનની ટિકિટ બુકિંગ અને ફલાઇટ અનશિડ્યૂલ હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ ખાતે ટિકિટ લેવા આવવું પડે છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી. તેમની રિકવેસ્ટ એક્સેપ્ટ કરી લેવાય છે, પરંતુ ટિકિટ લેવા માટે રૂબરૂ જવું પડે છે.

સી-પ્લેનમાં સવારે પહેલી ફ્લાઈટનું ભાડું રૂપિયા 1590 છે, જ્યારે બીજી ફ્લાઈટનું ભાડું રૂપિયા 2200થી વધુનું છે. જેથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ માટે લોકો આવે છે અને તેમાં ઓછું ભાડું હોવાથી પહેલી ફલાઇટ ફુલ થઈ ગઈ હતી. સી-પ્લેનમાં ફ્લાઈટના અનશિડ્યૂલ અને ઓનલાઇન બુકિંગના ધાંધિયાના કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા સી-પ્લેન સેવા શરૂ તો કરાવવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં એ સેવા મેળવવામાં લોકો હેરાનગતિ ભોગવે છે.

અમદાવાદના એક પ્રવાસીએ કહ્યું હતું કે. મેં ચાર ટિકિટ બુક કરાવવા માટે ઓનલાઇન સાઇટ પર રિકવેસ્ટ આપી હતી, પરંતુ ટિકિટ માટે કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી ગુરુવારે સવારે હું ટિકિટ લેવા વોટર એરોડ્રામ ખાતે રૂબરૂ ગયો હતો. મેં મંગળવારે સવારે પહેલી ફ્લાઇટ અને સાંજે છેલ્લી ફ્લાઇટમાં પરત આવવા માટે ટિકિટ બુકિંગ માટે કહેતાં તેમણે ફ્લાઇટ બુકિંગ માટે શિડ્યૂલ છે કે નહીં એ ચેક કરવું પડશે, એમ કહીં રાહ જોવડાવી હતી. એક કલાક જેટલો ઊભા રહ્યા બાદ પૂછતાં તેમણે કહ્યું, આવતીકાલની ફ્લાઈટ તો બુક થઇ ગઇ છે. જેથી મેં કહ્યું, એક કલાકથી ઊભો છું તો તમે જાણ નથી કરી. તો તેઓ કહે છે કે, પહેલાંથી જ ફ્લાઇટમાં બુકિંગ થઇ ગયું છે. આ બાબતથી સ્પષ્ટ છે કે, સી-પ્લેનમાં ક્યારે કેવી રીતે ફ્લાઇટ બુકિંગ થાય છે અને શિડ્યૂલ છે કે નહીં એ નક્કી જ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution