બદલીનો ગંજીપો: સરકારે ૭૨ આઈએએસ અધિકારીઓની સાગમટે બદલી કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026  |   1881

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે આજે છ ડઝન એટલે કે ૭૨ સનદી (આઇએએસ) અધિકારીઓની સાગમટે બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે તેમજ નવી નિમણૂકો પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, રાજયમાં નવરચિત નવ મહાપાલિકામાંથી ૮માં કાયમી મ્યુનિ. કમિશનરોની નિમણૂક કરાઇ છે. આ સાથે ગાંધીનગરના મ્યુનિ. કમિશનર જે. એન વાઘેલાની બદલી કરીને ગીર સોમનાથના કલેકટર બનાવાયા છે. તો અમદાવાદના કલેકટર સુજીત કુમારની બદલી કરીને રાજ્ય કરના વિશેષ આયુક્ત (કમિશનર) તરીકે નિયુક્ત કરાયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થવાની સાથે જ રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં સનદી (આઇએએસ) અધિકારીઓની સાગમટે બદલીઓનો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બુધવારે વહેલી સવારે એક સાથે રાજ્યના છ ડઝન એટલે કે, ૭૨ સનદી અધિકારીઓની બદલીઓનો આદેશ પ્રસિદ્ધ કર્યો છે. આ આદેશ મુજબ રાજ્યભરમાં કુલ ૭૨ સનદી અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે.

આ બદલીઓમાં અનેક જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી કોર્પોરેશનોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સરકારી આદેશને વહીવટી તંત્રમાં મોટા ફેરબદલ તરીકે જાેવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દોઢ વર્ષ પહેલા નવી રચાયેલી મહાનગરપાલિકામાં મ્યુનિ. કમિશનરોની કામચલાઉ બદલી કરાઇ હતી. હવે આ નવી નવ મહાનગરપાલિકામાંથી આઠમા નવા મ્યુનિ. કમિશનર ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ વખત મેયર અને અન્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજે કરાયેલી બદલીઓ પછી બે દિવસમાં નવી મનપાઓમાં નવા મ્યુનિ. કમિશનરો ચાર્જ સંભાળશે તે પછી જ નવી ચૂંટાયેલી પાંખની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલી બદલીઓમાં જામનગર મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીની ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે બદલી કરાઇ છે. તો અમદાવાદ કલેક્ટર સુજીતકુમારને રાજ્ય કર વિભાગના વિશેષ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે અમદાવાદ કલેકટર તરીકે વલસાડના કલેકટર ભવ્ય વર્માને નિયુક્ત કરાયા છે. સુરતના કલેક્ટર ડો. સૌરભ પારધીને નાગરિક પુરવઠા વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. ગાંધીનગરના મ્યુનિ. કમિશનર જે. એન વાઘેલાની બદલી કરીને ગીર સોમનાથના કલેકટર બનાવાયા છે. તો તેમના સ્થાને વાવ-થરાદના કલેકટર જે. એસ. પ્રજાપતિને ગાંધીનગરના મ્યુનિ. કમિશનર બનાવાયા છે. વધુમાં, નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીની બદલી કરીને તેમને ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટી આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. સ્થાનિક સ્વરાજ્ય અને વિકાસ પ્રોજેક્ટ્સને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી માળખામાં આ મોટા ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવે છે. વિવિધ વિભાગોની કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે ઘણા અધિકારીઓને વધારાના ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. આઇએએસ અધિકારીઓની બદલી ફક્ત એક નિયમિત વહીવટી ફેરફાર નથી; સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી તેને સરકારની નવી વહીવટી વ્યવસ્થા તરીકે જાેવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ઘણા કલેક્ટરોને બઢતી આપવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમની બદલીઓ મુલતવી રાખવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution