ટ્રાફિકમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026  |   2277

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી અને સલૂન મેનેજર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરનાર ટીઆરબી જવાન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલ્પેશ બૈસાણેએ યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હોવા છતાં લગ્ન કરવાની ના પાડતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર યુવતી નવરંગપુરાના એક સલૂનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ પહેલાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે તેની મુલાકાત ટીઆરબી જવાન કલ્પેશ બૈસાણે સાથે થઈ હતી. આ મુલાકાત બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વાતચીત શરૂ થઈ હતી, જે ધીરે ધીરે પ્રેમસંબંધમાં પરિણમી હતી. પ્રેમસંબંધ દરમિયાન આરોપી કલ્પેશે યુવતીને લગ્નનો વાયદો આપ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારની એક હોટલમાં મુલાકાત વખતે લગ્નનું વચન આપી તેણે યુવતી સાથે પ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બંનેએ કાયદેસર રીતે મૈત્રી કરાર પણ કર્યા હતા. આરોપી અવારનવાર યુવતીના ઘરે જતો અને ત્યાં રાત્રિ રોકાણ પણ કરતો હતો. છેલ્લા બે મહિનાથી યુવતી જ્યારે પણ લગ્નની વાત કરતી, ત્યારે આરોપી કલ્પેશ કોઈને કોઈ બહાના હેઠળ વાત ટાળી દેતો હતો. એક અઠવાડિયા પહેલા યુવતીએ લગ્ન માટે દબાણ કરતા કલ્પેશે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત બાદ યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપી કલ્પેશ બૈસાણેની ધરપકડ કરી છે. આરોપી હાલ ટ્રાફિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટીઆરબી તરીકે ફરજ બજાવે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution