અમદાવાદમાં લારીચાલકે નાસ્તાના પૈસા માંગતા હુમલો :સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   2178

અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે રાત્રે ૩ વાગ્યાની આસપાસ એક ઈડલીની લારી પર નાસ્તો કર્યા પછી પૈસા માગતા લારીચાલક સાથે અજાણ્યા શખ્સોની દાદાગીરી થતાં વિવાદ વકર્યો હતો. આ વિવાદ ઝડપથી છુટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગયો, જેમાં લારીચાલક અભયસિંહ પરમાર અને તેને બચાવવા આવેલા યુવક દ્રષ્ટાંત મોદીને ગડદા-પાટુ, પાઇપ અને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને પોલીસે મારામારીમાં વપરાયેલી રિક્ષા કબજે કરી લીધી છે, જ્યારે આરોપીઓ હજુ ફરાર છે. મણિનગર પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. શહેરના મણિનગર રેલ્વે સ્ટેશનની સામે એએમટીએસ બસ સ્ટેન્ડ નજીક તેના મિત્ર અભયસિંહ પરમારની ઈડલીની લારી આવેલી છે ત્યાં રાત્રે ૩:૦૦ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. બે અજાણ્યા શખસો તેની લારી ઉપર નાસ્તો કરી અને ઉભા થતાં અભયસિંહે પૈસા માંગ્યા હતા. જેથી, પૈસા આપવાની બંનેએ ના પાડી હતી અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. તેઓને ગાળો બોલવાની ના પાડતા તેમાંથી એક શખ્સે ફોન કર્યો હતો. બે શખ્સો આવ્યા હતા અને લારી ઉપર કારીગરને માર મારવા લાગ્યા હતા. બીજા અજાણ્યા શખસો આવ્યા હતા અને અભયસિંહને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. રિક્ષા લઈને આવેલા શખ્સોએ મારામારી કરી હતી. લોકોના ટોળા રોડ ઉપર એકત્રિત થઈ ગયા હતા. અભયસિંહને બચાવવા માટે વચ્ચે પડેલા દ્રષ્ટાંતને પણ પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution