12, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2673 |
ભારતમાં નવા અમેરિકી રાજદૂતે આપ્યા સંકેત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સાથેના બગડેલા સંબંધોને ફરી સુચારૃ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બંને દેશોના નેતૃત્વએ એના માટે પહેલ પણ કરી છે. આ બધા વચ્ચે ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે શુક્રવારે કહ્યું કે ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠકમાં હાજરી આપવા માટે ભારત આવશે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી ટ્રમ્પની યાત્રાની તારીખ નક્કી કરવામાં આવી નથી.
ગોરે કહ્યું કે, "ક્વાડ બેઠક અંગે વાતચીત થઈ છે. ચોક્કસ તારીખ આપ્યા વિના, હું કહી શકું છું કે પ્રમુખ ટ્રમ્પ ક્વાડના સાતત્ય અને સશક્તિકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગત વર્ષે અહેવાલ આવ્યા હતા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, જે ક્વાડનો ભાગ છે, આ વર્ષે ભારતમાં શિખર સંમેલન યોજવાનું વિચારી રહ્યા છે. 2024 ક્વાડ સમિટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેન વિદેશ પ્રવાસ કરી શકતા ન હોવાથી અને ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ક્વાડ સમિટ અમેરિકામાં યોજાઈ હતી. જોકે આ વર્ષની બેઠક ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા યોજાયેલી બેઠક કરતાં અલગ હશે, કારણ કે અમેરિકા અને જાપાનમાં નવા નેતૃત્વકાર સત્તામા આવ્યા છે.