લોકસત્તા ડેસ્ક 

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી સામાન્ય બાબત છે પરંતુ કોરોનાકાળમાં ગળામાં દુખાવો અને શરદી થવાથી લોકોની ચિંતામાં વધારો થાય છે. ઠંડીમાં શરદી અને વાયરલ ફીવર જેવી સમસ્યા પણ થવા લાગે છે પરંતુ ગળાની ખરાશને લોકો સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે. પરંતુ આમ કરવાથી પરેશાની વધી શકે છે. આથી ગળાની ખરાશથી છૂટકારો મેળવવા માટે દવા કે સીરપને બદલે આ ઘરેલુ નુસખા અજમાવવાથી લાભ થશે અને નુકસાન પણ નહીં થાય.

આદું - આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાની ખરાશ અને દુખાવામાં ઘણી રાહત મળશે.

મીઠું - મીઠામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. જેથી તે કફ અને ઈન્ફેક્શનને દૂર કરવા અને ગળામાં દુખાવો અને ખારાશને મટાડવામાં મદદ કરે છે. રોજ 2થી 3 વાર 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને તેનાથી કોગળા કરવાથી તરત જ ફાયદો થાય છે. જ્યારે ગળું ખરાબ હોય તો શ્લેષમા ઝિલ્લીની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠું આ સોજાને ઓછો કરે છે. જેનાથી રાહત મળે છે. આ સાથે લવિંગ, તુલસી, આદું અને મરીથી બનેલી ચા પણ ફાયદાકારક છે.

હળદર - બદલાતી સીઝનમાં બીમારીઓ સામે લડવા માટે હળદર ખૂબ જ કારગર છે. મીઠાની સાથે ગરમ પાણીમાં હળદરનો પ્રયોગ કરવો પણ ખૂબ ફાયદાકારક હોય છે. કારણકે તેમા પણ એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે.

મધ - ગળા માટે મધ રામબાણની જેમ કામ કરે છે. ગળામાં ખારાશ કે ખાંસી થાય તો 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આનાથી ગળામાં સોજો, ખારાશ, દુખાવો, ખાંસીમાં તરત જ આરામ મળે છે.