લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026 |
792
તમિલનાડુના રાજકારણમાં રિઝોર્ટ પોલિટિક્સ અને હોર્સ-ટ્રેડિંગના આક્ષેપોએ ફરી એકવાર ભારે સનસનાટી મચાવી દીધી છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા જાેસેફ વિજયની પાર્ટી ‘તમિલનાડુ વેટ્રી કઝગમ’ TVK )ના ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ એક સ્ફોટક ખુલાસો કરતા દાવો કર્યો છે કે, તેમને પક્ષપલટો કરીને સત્તાધારી DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ)માં જાેડાવા માટે ૩૦થી ૩૫ કરોડની જંગી રોકડ રકમની ઓફર કરવામાં આવી હતી. આટલું જ નહીં, વચેટિયાઓએ એવો પણ દાવો કર્યો હતો કે વિજય સરકારને અસ્થિર કરવા માટે ટીવીકેના ૧૦ ધારાસભ્યો અને એક વર્તમાન મંત્રી ઓલરેડી પક્ષ બદલવા માટે રાજી થઈ ગયા છે, જેને પગલે દક્ષિણ ભારતના આ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ધારાસભ્ય ઇલૈયારાજાએ આ આખા કાવતરાનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, થિરુનાવુક્કારાસુ નામના એક વ્યક્તિએ રાજકીય સલાહકારના પ્રતિનિધિ તરીકે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે લાલચ આપતા કહ્યું હતું કે આ ભવિષ્ય બનાવવાની મોટી તક છે, પરંતુ જાે ઓફર ન સ્વીકારી તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી હતી. ધારાસભ્યે ઉમેર્યું કે, “હું મારા નેતા થલાપતિ વિજય અને જનતાના વિશ્વાસ સાથે ક્યારેય દગો કરી શકું નહીં.” આ મામલે એક્શનમાં આવેલી તમિલનાડુ પોલીસે થિરુનાવુક્કારાસુ, નરેશ અને થિયાગરાજન નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસે એફઆઈઆરમાં ડીએમકેના પૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ અશોક કુમારના નામ દાખલ કરતા આ વિવાદ હવે સંપૂર્ણપણે કાનૂની અને રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગયો છે.