લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026 |
2079
અમદાવાદના અસલાલીમાં એક ગોડાઉનમાંથી ૪૨.૯૯ લાખ રૂપિયાના પાન મસાલાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ થઇ છે. તપાસ માટેની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ચોરની ટોળકીને ઝડપી પાડી છે. મહારાષ્ટ્રના ભિવંડીથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને ૬ આરોપી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓએ પાન મસાલાની ચોરી કરવા માટે એક ગાડીનો ઉપયોગ કર્યો હતો. પોલીસની ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના ૫૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર જાેવા મળ્યો હતો અને તેનું સરનામું મહારાષ્ટ્રનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં ચોરી કરેલો રૂપિયા ૧૭,૪૭,૯૦૮નો મુદ્દામાલ અને ઉપયોગમાં લેવાયેલી રૂપિયા ૨,૦૦,૦૦૦ની ગાડી મળીને કુલ રૂપિયા ૧૯,૪૭,૯૦૮નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ૨ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અખ્તરઅલી રહેમતઅલી શેખ (ઉ.વ. ૩૪, ભિવંડી) અને મોહમ્મદ અનસ હકીમખાન નજીરખાન (ઉ.વ.૨૬ ભિવંડી) છે. આ ઉપરાંત અન્ય ૬ આરોપીઓ હજુ પણ ફરાર (વોન્ટેડ) છે. ફરાર આરોપીઓમાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ (પવારવાડી) ખાતે રહેતા અકબરખાન હબીબખાન, કૈસરખાન હબીબખાન અને શાહરુખ આમીર શેખનો સમાવેશ થાય છે. જ્યારે થાણે જિલ્લાના ભિવંડી ખાતે રહેતા અન્ય ૩ આરોપીઓ અરબાજ મુબારક શેખ, મહમદઅલી મુનીર શેખ અને શરીફ બિસ્મીલ્લાખાન પણ ફરાર છે. પોલીસ દ્વારા આ તમામ ૬ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.