કાલુપુરની આગંડિયા પેઢીમાંથી ચોરી કરેલા ૮૦ લાખના દાગીના વેચવા આવેલા બે ઝડપાયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   2772

શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગળિયા પેઢીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. રતનપોળ સ્થિત પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોના, ચાંદી અને ડાયમંડના કરોડોના કિંમતી દાગીના લઈને રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો. આ મામલે ઝોન-૩ એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુદ્દામાલ સગેવગે કરવા આવેલા બે સાગરીતોને ૮૦ લાખ રૂપિયાના દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. રતનપોળની આંગળિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને ગત છઠ્ઠી મેના રોજ સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ભુજ ખાતે સેફ ડિલિવરી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જાેકે, જીગર નિયત સ્થળે પહોંચ્યો જ નહોતો અને રસ્તામાંથી જ કિંમતી દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો. કર્મચારીનો કોઈ પતો ન લાગતાં આખરે આંગળિયા પેઢીના સંચાલકોએ ગત ૧૧મી મેના રોજ કાલુપુર પોલીસ મથકે ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.ડી ડિવિઝનના એસીપી જીતેન્દ્ર ચૌધરીના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપોર રહી ચૂક્યા છે. હાલ તેઓ બેરોજગાર હોવાથી મોજશોખ કરવા અને ફરી વિદેશ પ્રવાસ માટે મોટી રકમ ભેગી કરવા ઝડપી પૈસા કમાવવાનો આ શોર્ટકટ અપનાવ્યો હતો.આ ચોરીનું સંપૂર્ણ પ્લાનિંગ મુખ્ય આરોપી જીગરસિંહ અને તેને સાત દિવસ પહેલા જ આંગળિયા પેઢીમાં નોકરી પર રખાવનાર ગુનાઈત ઈતિહાસ ધરાવતા વિપુલ ઠાકોરે કર્યું હતું. યોજના મુજબ, જીગર પેઢીમાંથી કરોડોનો સામાન સેરવીને સીધો સુરેન્દ્રનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથીદાર અજય અને દીપક રાવળ સાથે મુલાકાત કરી હતી. અજય અને દીપકને આ ચોરીના દાગીના વેચીને રોકડા રૂપિયા કરવાની જવાબદારી સોંપાઈ હતી. નવાઈની વાત એ છે કે, તેઓ આ ચોરીનો માલ વેચવા માટે ફરી રતનપોળની જ એક જ્વેલર્સની દુકાને આવ્યા હતા.આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું અને વોચ રાખીને અજયજી મથુરજી ઠાકોર તથા દીપકભાઈ રાવળને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો અંદાજે ૮૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે. જાેકે, આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આંગળિયા પેઢીના કર્મચારી જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડી પાડવા માટે કાલુપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution