લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
2376
શહેરના ગોમતીપુર વિસ્તારમાં નજીવી બાબતમાં બોલાચાલી થયા બાદ બે સગા ભાઈઓએ વેપારી અને તેના પરિવાર પર હિંસક હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. દુકાને ઉભા રહી જાેરજાેરથી બૂમો પાડી વસ્તુ માંગવા બાબતે શાંતિ રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા ગ્રાહકે તેના ભાઈ સાથે મળીને વેપારીને માથામાં ખાટલાની લાકડાની ઈસ ફટકારી દીધી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા છે. ગોમતીપુર પોલીસે આ અંગે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોમતીપુર વિક્રમ મીલની સામે પઠાણની ચાલીમાં રહેતા ૩૬ વર્ષીય ધર્મેશકુમાર નટવરલાલ પટણી ઘર આગળ જ કરીયાણાની દુકાન ચલાવે છે. ગત ૧૯ મેના રોજ સાંજે તેઓ પત્ની સાથે બહાર ગયા હતા ત્યારે દુકાન પર તેમના પિતા હાજર હતા. આ દરમિયાન ચાલીમાં જ રહેતો રાહુલ પુનમભાઇ પટણી નામનો યુવક વસ્તુ લેવા આવ્યો હતો. તે દુકાને ઊભા રહીને જાેર-જાેરથી બૂમો પાડી વસ્તુ માંગતો હોવાથી વેપારીના પિતાએ તેને શાંતિથી વસ્તુ માંગવા જણાવ્યું હતું. આ સાંભળતા જ રાહુલ ગુસ્સે ભરાયો હતો અને વૃદ્ધ સાથે ઝપાઝપી કરીને ભાગી ગયો હતો. વેપારી ધર્મેશકુમાર જ્યારે ઘરે પરત ફર્યા અને આ અંગે રાહુલના નાના ભાઈ નિખીલ પટણી સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે નિખીલ પણ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભંડવા લાગ્યો હતો. એટલામાં રાહુલ પણ ત્યાં દોડી આવ્યો હતો અને પાડોશીના ઘર આગળ પડેલી સાયકલ ઉપાડીને વેપારી પર ફેંકી દીધી હતી. આટલેથી ન અટકતા રાહુલે ક્યાંકથી ખાટલાની લાકડાની ઈસ લાવીને ધર્મેશકુમારના માથાના જમણી બાજુના ભાગે જાેરદાર ફટકો મારી દીધો હતો.આ હુમલો જાેઈને વેપારીના પત્ની રીટાબહેન, માતા સવિતાબેન તથા પિતા નટવરભાઈ વચ્ચે છોડાવવા પડતા બંને આરોપીઓએ તેમની સાથે પણ મારપીટ અને ઝપાઝપી કરી હતી. બૂમાબૂમ થતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને વેપારીને વધુ મારમાંથી બચાવ્યો હતો.