શહેરની ટેક્સ્ટાઈલ મિલોમાં બે દિવસનાં અઠવાડિક કાપનો તાત્કાલિક અમલ શરૂ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026  |   891

સુરત : કોલસાનાં ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારા, કેમિકલ્સ, ડાઇઝ, કલર્સ વગેરે જેવા રો-મટીરિયલમાં થયેલા તોતિંગ ભાવ વધારા અને કામદારોની ભારે અછત, આ ત્રણ સમસ્યાઓનાં અજગર ભરડાંમાં સપડાયેલા ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ ઉદ્યોગકારોએ આજે યોજાયેલી સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનની મીટિંગમાં એવો ર્નિણય લીધો હતો કે બે દિવસનાં અઠવાડિક કાપનો તાત્કાલિક અમલ શરૂ કરવામાં આવે. મિલમાલિકો, પ્રોસેસિંગ યુનિટો પોતાની અનુકૂળતા તેમજ વીજ પ્રવાહમાં સ્ટેગરિંગ હોય એ દિવસે પોતાના યુનિટો, મિલો બંધ રાખી શકશે. સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશનની આજે મળેલી મીટિંગમાં લેવાયેલા ર્નિણયોની માહિતી આપતા પ્રમુખ જીતેન્દ્ર વખારીયા, કમલ તુલશ્યાન તેમજ અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે (યુદ્ધ પૂર્વેથી) છેલ્લા બે મહિનાથી ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ મિલોમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા કોલસાનાં ભાવોમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાથી સપ્લાય થતાં કોલસાનાં ભાવ અતિશય વધી ગયા છે. એ પછી યુદ્ધ શરૂ થયું અને તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટસ જેમાં કેમિકલ્સ, કલર્સ, ડાઇઝનો સમાવેશ થાય છે તેમાં પણ ભાવ વધારો થયો છે અને ભાવ વધારો ચૂકવવા છતાં પર્યાપ્ત માત્રામાં માલસામાન મળી શકતો નથી. શોર્ટ સપ્લાયને કારણે અનેક મિલોમાં કામકાજને ઘેરી અસર પડવા માંડી છે. આ બંને સમસ્યાઓમાંથી પ્રોસેસિંગ યુનિટોના સંચાલકો, ડાઇંગ પ્રિન્ટિંગ મિલોનાં સંચાલકોને રાહત મળે તે માટે સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસીએશને વૈકલ્પિક માર્ગ વિચારી જાેયા હતા. કોલસાની જગ્યાએ ગુજરાત સરકાર પાસેથી લિગ્નાઇટ મેળવવા માટે પ્રયાસો કરી જાેવાયા પરંતુ, સ્થિતિમાં કોઇ ફેર પડે તેવું જણાયું નહતું. જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે બે સમસ્યાઓ હતી તેમાં વળી લેબર શોર્ટેજની સમસ્યા વકરી છે. મિલોમાં કામ કરતા લેબરને સિલિન્ડર સપ્લાય નથી મળી રહ્યાં અને રોજેરોજ પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન વાપસી કરી રહ્યા છે. આમ ત્રણ મોટી સમસ્યાઓને કારણે આજે મળેલી મીટિંગમાં સુરત શહેરની તમામ ૪૦૦ જેટલી નાની મોટી ડાઇંગ પ્રિન્ટિંગ મિલો, પ્રોસેસિંગ યુનિટો માટે એવો ર્નિણય લેવામાં આવ્યો છે કે અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવી. મિલમાલિકો પોતાની મરજી મુજબ મિલો બંધ રાખી શકશે અને ઉત્પાદન કાપ કરી શકશે. બીજી સૂચના મળે નહીં ત્યાં સુધી મિલોમાં સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ જારી રહેશે.

વીવિંગ ઉદ્યોગ માટે ફોગવા શનિવારે જાહેરાત કરશે

 સુરતમાં ગ્રે કાપડનું ઉત્પાદન કરતા વણાટ (વીવિંગ) ઉદ્યોગનાં સૌથી મોટા સંગઠન ફોગવાનાં પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં છેલ્લા ૨૪ દિવસથી ચાલી રહેલાં યુદ્ધને કારણે યાર્નનાં ભાવ વધી ગયા છે અને તેવી સ્થિતિમાં વીવિંગ ઉદ્યોગકારો માટે કાપડની પડતર કિંમત વધી ગઇ છે. આવી સ્થિતિમાં ઉદ્યોગકારો પાસેથી સેન્સ મેળવવામાં આવી રહ્યો છે કે ઉદ્યોગે કેવી રીતે આગળ વધવું અને કેવા પ્રકારનાં પગલાં ભરી શકાય. શનિવાર સુધી કારખાનેદારો પોતાનો અભિપ્રાય ફોગવાને જણાવે અને આગામી શનિવારે સાંજે ફોગવા તેની ભાવિ રણનીતિ જાહેર કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution