લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
2178
અમદાવાદમાં આંગડિયા પેઢીના સ્ટાફ અને બેન્કમાંથી મોટી રોકડ લઈને નીકળતા લોકોને નિશાન બનાવતી કુખ્યાત ‘છારા ગેંગ‘ સામે પોલીસે સકંજાે કસ્યો છે. લોકોનું ધ્યાન ભટકાવી કે વેશપલટો કરીને કરોડો રૂપિયાની લૂંટ અને ચોરી આચરતી આ ગેંગના બે મુખ્ય સાગરીતોની પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી છે.આ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ગુજરાત અને દિલ્હીમાં નોંધાયેલા લૂંટ, ધાડ તેમજ ચોરી જેવા અંદાજે ૩૦ જેટલા ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ છારા ગેંગના ૪ સાગરીતોને અલગ-અલગ ૭ ગુનાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ તપાસતા માલૂમ પડ્યું હતું કે તેણે અમદાવાદ અને દિલ્હીમાં અસંખ્ય ગુનાઓ આચર્યા છે. આથી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં પોલીસ કમિશનરની મંજૂરી મેળવીને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.આ કેસની વધુ તપાસના આધારે પોલીસે હાલમાં પ્રતિક ઉર્ફે અંધો પ્રવિણભાઈ પાનવેકર (રહે. છારાનગર, કુબેરનગર) તથા શંકુલ યોગેશભાઈ ભોગેકર (રહે. કુબેરનગર, સરદારનગર) એમ બે આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યંત સુઆયોજિત પ્લાનિંગ સાથે ગુનાને અંજામ આપતી હતી. આરોપીઓ હંમેશા હેલ્મેટ અને રૂમાલથી ચહેરો ઢાંકી રાખતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ ઘરેથી નીકળતી વખતે અલગ કપડાં પહેરતા અને ગુનો આચરતી વખતે તેની ઉપર બીજા કપડાં ચડાવી લેતા હતા.ગેંગનો એક સાગરીત વાહનચાલક સાથે ગમે તે બહાને બોલાચાલી કરી તેને વાતોમાં વ્યસ્ત રાખતો હતો. ડ્રાઇવર કે વાહનચાલકનું ધ્યાન ભટકાય તે જ સમયે અન્ય સાગરીતો એલ.એન.કી વડે મોપેડની ડેકી તોડીને અથવા હિરાકણી વડે કારના કાચ તોડીને અંદર પડેલો કિંમતી માલસામાન કે રોકડ રકમ ચોરીને પળવારમાં ફરાર થઈ જતા હતા.આ કુખ્યાત છારા ગેંગ સામે ગુજરાત અને દિલ્હીમાં મળીને કુલ ૩૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના રેકોર્ડ મુજબ આ ગેંગ સામે અમદાવાદના એલિસબ્રિજ, સરખેજ, કૃષ્ણનગર, નવરંગપુરા, રામોલ, સોલા હાઇકોર્ટ, ઓઢવ, બોપલ, નરોડા, શાહીબાગ, વાડજ, રખિયાલ, વસ્ત્રાપુર અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમજ અડાલજમાં લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના ૨૮ ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત, આ ગેંગ સામે દિલ્હીના કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ, ધાડ, ગુનાહિત કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળના ૨ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ ગુનાઓનો લાંબો ઇતિહાસ જાેતા પોલીસે આકરી કાર્યવાહી કરી છે.