અમરાઈવાડીમાં બે શખ્સોનો પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
05, સપ્ટેમ્બર 2024 1188   |  

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળતી જતા હોય તેમ લાગી રહ્યું છે. જેમાં પોલીસ કર્મચારી જ હુમલાનો ભોગ બનતા પોલીસ પણ સલામત નથી તે સાબિત થયું છે. આ બનાવની વિગત મુજબ અમરાઈવાડીમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામા પર હુમલો થયો હતો. બે શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને કોન્સ્ટેબલના બાઈકમાં પણ તોડફોડ કરી હતી. જેને લઈને પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. અમરાઈવાડીમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નીનામા બુધવારે સાંજના સમયે અમરાઈવાડીમાં ઓમ નગર પાસે આવેલા ખુલ્લા મેદાન પાસે પોતાનો મોટરસાયકલ લઈને ઉભા હતા. જે દરમિયાન બે શખ્સો તેઓની પાસે આવ્યા હતા અને તું પોલીસવાળો છે અને ડી સ્ટાફમાં નોકરી કરે છે, તેવું કહીને ગાળા ગાળી કરી હતી. પોલીસકર્મી પ્રકાશ નીનામાએ બંને યુવકોને ઝઘડો કરવાની ના પાડતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. તેમજ પોલીસકર્મીની બાઈકને નીચે પાડી પેટ્રોલની ટાંકી અને અન્ય જગ્યાઓ પર નુકસાન કર્યું હતું. જે સમયે આસપાસના લોકો એકત્ર થઈ જતા બંને યુવકોને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો અને અમરાઈવાડી પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ નીરજ સરોજ અને પવન પાસી છે. આરોપીઓમાં પવન પાસે અગાઉ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે મારામારીના ગુનામાં અને દસ વર્ષ પહેલા રામોલમાં હત્યાના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે.અન્ય આરોપી નીરજ સરોજ જાહેરનામા ભંગ અને હથિયાર રાખવા સહિતના ગુનામાં પકડાયો હતો. આરોપીઓ નશાની ટેવ ધરાવતા હોય અને અગાઉ પણ પોલીસ કર્મી પર હુમલા જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યા હોય તેવામાં અમરાઈવાડી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.

શહેરમાં દિન પ્રતિદિન અસમાજીક તત્વો બેફામ બનતા જઈ રહ્યાં છે

વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વિસ્તારમાં અસમાજીક તત્વો બેફામ બની ગયા છે. જાે વિસ્તારમાં પોલીસ જ ખુદ સુરક્ષિત ના હોય તો સામાન્ય નાગરિકોની તો વાત જ સુ કરવી. સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સર્વેલન્સ સકવોડમાં ફરજ બજાવતા અન્ય એક કોન્સ્ટેબલ જ પોલીસ સ્ટેશનનો વહીવટ સંભાળી રહ્યા છે ને તેમના જ છુપા આશીર્વાદના કારણે વિસ્તારમાં બે નંબરના ધંધા ફૂલી ફાલી રહ્યા છે.વિસ્તારમાં સર્વેલન્સ સ્ક્વોડને કાયદો અને વયવસ્થા સંભાળવાની ખાસ જવાબદારી આપવામાં આવતી હોય છે જયારે તે જ બે નંબરના ધંધાને રક્ષણ પૂરું પાડતા હોય તો આવા બનાવો સામે આવે જ! જાે ઊચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણું બધુ બહાર આવી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution