વડોદરા : શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૧ની ઓફિસ સામે આવેલું વર્ષો જૂનું વડનું ઝાડ આજે સવારના સમયે એકાએક ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે તેની નીચે મુકવામાં આવેલા સંખ્યાબંધ વાહનો દબાઈ ગયા હતા. જ્યારે, બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા ઝાડને કાપી લઈને વાહનોને મુક્ત કરવામાં આવ્યા હતા. 

દિવાળીપુરા મેઈન રોડ પર કોર્પોરેશનના વોર્ડ નં.૧૧ની ઓફિસ સામે વર્ષો જૂનું વડનું એક મહાકાય વૃક્ષ આવેલું હતું. આ વૃક્ષ આજે સવારના સમયે એકાએક પડતા તેની નીચે સંખ્યાબંધ વાહનો દબાઈ ગયા હતા. આ ઉપરાંત તે સમયે ઝાડ નીચે ઉભેલા બે લોકો દબાઈ ગયા હતા. મેઈન રોડ પર ઝાડ પડવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ઝાડની ડાળીઓને કાપીને નીચે દબાયેલા વાહનો અને ટ્રાફિકની સમસ્યાને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં વીજ વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, અંદાજે ૨થી ૩ કલાકની જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.