રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026  |   3168

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં આજે એક અત્યંત દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના વોંકળામાં રેતી ભરવા ગયેલા બે યુવાનો ઉપર અચાનક વિશાળ ભેખડ ધસી પડતા બંનેના ઘટનાસ્થળે જ દટાઈ જવાથી મોત નિપજ્યા હતા. મળતી વિગતો અનુસાર, શેર-રખિયાણા ગામના અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના બે યુવાનો ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા વોંકળામાં રેતી ભરવા માટે ગયા હતા. જ્યારે તેઓ ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી અચાનક જ માટી અને રેતીનો મોટો જથ્થો ધરાશાયી થયો હતો. આ વિશાળ ભેખડ બંને યુવાનો પર પડતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ભેખડ નીચે દટાયેલા યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માંડલ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામ અને માંડલ પંથકમાં ગેરકાયદેસર રેતી ચોરીનો વ્યવસાય ફુલેફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નદી અને વોંકળાઓમાં ઊંડે સુધી ખોદકામ કરી રેતી કાઢવામાં આવતી હોવાથી ભેખડો ધસી પડવાનું જાેખમ વધે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution