લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026 |
2574
૨૦૨૪માં સુરત દેશનાં મેટ્રો સિટીમાં સૌથી સલામત શહેર હતું એવી ગુલબાંગો પોકારવામાં વ્યસ્ત રહેલી સુરત પોલીસને બદમાશો સીધો પડકાર ફેંકતા જાેવા મળી રહ્યાં છે. શહેરનાં સિંગણપોર વિસ્તારમાં પોલીસની હાક અને ધારનાં લીરેલીરાં ઉડાવતાં બદમાશો વચ્ચે થયેલા ડખામાં બે યુવકોનાં મોત નીપજ્યાં હતા. પાનનાં ગલ્લે માવો લેવા જેવી બાબતે થયેલી બેવડી હત્યાના આ બનાવે શહેરમાં ભારે ચકચાર મચાવી છે, જ્યારે પોલીસ ઠંડા કલેજે બે હુમલાખોરોને ગણતરીના કલાકમાં પકડી લેવાયા જ્યારે અન્યોની શોધખોળ ચાલુ છે એમ કહી પોતાની પીઠ થબથબાવતી જાેવા મળી હતી.
લિંબાયતના સંજયનગરમાં રહેતો ૩૦ વર્ષીય હર્ષલ અધિકાર પાટીલ અને વેડ રોડ બાપા સીતારામ ચોક ખાતે રહેતો ૨૫ વર્ષીય ભટુ વનરાજભાઈ માળી વચ્ચે સારી મિત્રતા હતી. બંને માથાભારે પ્રકૃતિના હોવા સાથે મોડી રાત સુધી ભટકવાના આદિ હતા. શનિવારે મધરાત બાદ એટલે દોઢેક વાગ્યે હર્ષલ અને ભટુ તેમના અન્ય ત્રણ મિત્રો સાથે ડભોલી ગામ બજરંગ નગર પાસે મોગલ ટી સ્ટોલ ગયા હતા.
અહીં બહાર બેસેલા દુકાનદારને તેઓએ માવો જાેઇએ છે એમ કહ્યું હતું. દુકાનદારે ગલ્લો બંધ કરી દીધો છે એમ કહી માવો આપવાનો ઇનકાર કર્યો હતો. જાે કે, હર્ષિલ અને ભટુને દુકાનની અંદર ચાર યુવકો બેસીને કેરમ રમતાં જાેવા મળ્યા હતા. આથી તેઓએ દુકાનદારને બળબજરીથી અંદર લઇ ગયા અને તેની સાથે લડાઈ ઝગડો કરી માવો લીધો હતો. આ દરમિયાન કેરમ રમતાં યુવકો સાથે પણ તેમને માથાકૂટ થઇ હતી. જાે કે એ સમયે હર્ષિલ, ભટુ અને તેમની સાથેના ચાર યુવકો ત્યાંથી નીકળી ગયા હતા.
આ ટોળકી સિંગણપોરથી નીકળી રાંદેર પહોંચી હતી. જ્યાં તેઓએ માવો નહીં આપી માથાકૂટ કરનારાઓને સબક શીખવાડવાનું નક્કી કર્યું અને ક્યાંકથી ચાકુ મેળવ્યા હતાં. હથિયાર લઇ આ ટોળકી ફરી સિંગણપોર મોગલ ટી સ્ટોલ આવી હતી. આ યુવકોએ ત્યાં બેસી કેરમ રમતા સ્થાનિક યુવકો સાથે ફરી ઝઘડો કર્યો અને તેઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દરમિયાન હર્ષિલ પાટીલે ચાકુ કાઢી હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ સામેથી પ્રતિકાર કરાયો હતો. જેમાં હર્ષલના ચાકુથી તેને જ ઘા ઝીંકી દેવાયા હતાં. આવું જ કંઇ ભટુ માળી સાથે પણ થયું. તેને પણ હુમલા દરમિયાન ગંભીર ઇજા પહોંચી હતી. ઊંડો ઘા વાગવાથી વધુ રક્ત સ્ત્રાવ થતાં હર્ષિલ પાટીલનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે ભટુ માળીએ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
પિન્કેશ, તેજસ, અક્ષય અને રાહુલે અમને બોલાવ્યા બાદ અચાનક હુમલો કરી દીધો
હર્ષલ અને ભટુના મિત્રો મિહિર રાઠોડ તથા ક્રિષ્ના મહાડીકની પોલીસે ઘટના અંગે પૂછપરછ કરી હતી. તેઓએ એવું જણાવ્યું હતું કે, અમે તથા હર્ષલ અને ભટુ માળી એક સ્પલેન્ડર તથા બર્ગમેન મોપેડ ઉપર આશરે સાડા બારેક વાગ્યે ડભોલી બી.આર.ટી.એસ. ગોગા મહારાજના મંદિરની આગળ મો ગલ ટી ખાતેથી પસાર થતા હતા. તે દરમિયાન આ મોગલ દુકાનવાળો બહાર બેસેલો હતો, જ્યારે દુકાન નું શટર બંધ હતું. અમે તેને ચા પાન મસાલો આપવા કહેતાં તેણે ના પાડી હતી. દુકાન ખોલવા બાબતે તેની સાથે અમારી રકઝક થઇ હતી. દરમિયાન દુકાનમા અંદર બેઠેલો પિન્કેશ, તેજસ ઉર્ફે કલ્લુ, અક્ષય મોરે તથા રાહુલ સાથે અમારે સામસામે જાેવા બાબતે બો લાચાલી ઝઘડો થયો હતો. ત્યારબાદ અમે બધા ડભોલી ચાર રસ્તા તરફ નીકળી ગયા હતાં. જયાંથી અમે પરત રાંદેર તરફ જવા માટે નીકળ્યા ત્યારે દોઢેક વાગ્યા હતાં. જે દરમિયાન બજરંગ નગર સોસાયટી સામે બી.આર.ટી.એસ. રોડ પાસેથી પસાર થતી વેળા એ ચાર જણા મળ્યા હતાં. તેઓએ બુમ પાડી અમારી બાઇક ઉભી રખાવી હતી. હર્ષિલ અને ભટુ સાથે અમે બધા એ ચાર જણા સાથે વાત કરવા ગયા હતા. વાતચીત દરમિયાન તેઓ અમારા પર એકદમ ઉશ્કેરાઈ જઇ ઉગ્ર ઝઘડો કરવા માંડ્યા હતા. તેમણે હર્ષલ પાટીલ તથા ભટુ માળીને ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી અને પછી ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ મિહીર રાઠોડે પોલીસ અને ૧૦૮ માં કોલ કર્યો હતો. એબ્યુલન્સ આવતા હર્ષલ અને ભટુને સ્મીમેર લઇ જવાયા હતા.