લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
1782
શહેરનાં પૂણા વિસ્તારમાં આવેલી ટેક્સ્ટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીનાં એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુર પોલીસની માનવ તસ્કરી વિરોધી યુનિટ અને રાજ્ય બાળ આયોગની ટીમે અલગ-અલગ ફેક્ટરીમાં દરોડો પાડી ૯૧ આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે. ઉદયપુર જિલ્લાનાં આદિવાસી વિસ્તારોનાં બાળકોને મહિનાને માત્ર ૫ થી ૮ હજાર રૂપિયા મજૂરી ચૂકવી શોષણ કરાતું હતું. મળતી માહિતી અનુસાર રાજસ્થાનનાં ઉદયપુર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને એવી માહિતી મળી હતી કે, અંતરિયાળ ગામોમાંથી આદિવાસી પરિવારના બાળકોને સારા વળતર અને વેતનની લાલચ આપી સુરત લઇ જવાય છે. જ્યાં તેમને કાપડનાં કારખાના કહો કે ફેક્ટરીમાં ગોંધી રાખી કાળી મજુરી કરાવાય છે. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક પર નજર રાખવામાં આવી હતી. પુરતી ખાતરી તપાસ બાદ ઉદયપુરથી ૨૦ સભ્યની ટીમ સુરત આવી પહોંચી હતી. પુણા પોલીસને સાથે રાખી આ ટીમે સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે ૬ જેટલા લોકેશન પર એકસાથે દરોડા પાડી ૯૧ જેટલા બાળકોને રેસ્ક્યુ કરાયા હતાં. રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર ૭ થી ૧૪ વર્ષની વચ્ચે છે. આ માસૂમ બાળકોને સુરતના ટેક્સ્ટાઈલ માર્કેટ સાથે જોડાયેલી નાના યુનિટોમાં કામે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓમાં દોરા કાપવાનું તો કેટલાક બાળકો પાસે જોખમી મશીનો પર કામ લેવાતું હતું. બાળકોને આખો દિવસ કાળી મજૂરી કરાવાતી હતી અને તનતોડ મહેનત સામે તેમનો વેતનનાં નામે દર મહિને માત્ર ૫ હજારથી ૮ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ગરીબીનો લાભ ઉઠાવીને એજન્ટો આ બાળકોને થોડા મહિના પહેલાં જ સુરત લાવ્યા હતા.
બહારથી તાળાબંધ કરીને ઇમારતોમાં કામ કરાવાતું હતું
ગાયત્રી સેવા સંસ્થાનનાં ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર પંડ્યાનાં જણાવ્યા અનુસાર, બાળકોને એવી ઇમારતોમાં રાખવામાં આવતા હતા જે બહારથી બંધ રહેતી હતી. વહેલી સવારે બાળકોને અંદર લઈ જવામાં આવતા અને ત્યારબાદ આખો દિવસ બહારથી તાળું મારી દેવામાં આવતું હતું. સાંજે ૭ વાગ્યા પછી જ દરવાજા ખોલવામાં આવતા હતા. તેમણે જણાવ્યું કે, અમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે માત્ર ૭ થી ૮ વર્ષની ઉંમરનાં બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. તેઓ ડરેલા, ગભરાયેલા અને સતત ૧૨ કલાકથી વધુ સમય સુધી કામ કરવાના કારણે અત્યંત થાકેલા લાગતા હતા. ડો. પંડ્યાએ વધુમાં કહ્યું કે, એક નાનું બાળક શર્ટ વગર ઊભું હતું અને બીજા બાળકો પાછળ છુપાઈને પૂછતું હતું કે કોઈ તેને પહેરવા માટે કપડા આપી શકે છે કે નહીં. બાળકોની સ્થિતિ અત્યંત દયનીય હતી.
માનવ વેચાણ અને બાળમજૂરી સંગઠિત ગુનાહિત નેટવર્ક
જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રનનાં નેશનલ કન્વીનર રવિ કાંતે જણાવ્યું હતું કે, આ સમગ્ર બચાવ કામગીરી દર્શાવે છે કે માનવ વેચાણ અને બાળમજૂરી આજે પણ રાજ્યો વચ્ચે સંગઠિત અને ઊંડે સુધી ફેલાયેલું ગુનાહિત નેટવર્ક છે. ખાસ કરીને આદિવાસી અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ખોટા વચનો આપીને ફસાવવામાં આવે છે અને પછી તેમને શોષણભરી પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ઘટના વધુ મજબૂત આંતરરાજ્ય સમન્વય, સપ્લાય ચેઇન પર સતત દેખરેખ અને માનવ વેચાણકારો, માલિકો તથા તમામ મધ્યસ્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.