લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
3465
મહાનગર પાલિકાનાં અધિકારીઓ લાંચ લેતાં ઝડપાઇ ચૂક્યા હોવા છતાં લાંચ લેવાની વૃત્તિ ઓછી થતી હોય તેવું જણાતું નથી. લિંબાયત ઝોનનાં ઝોનલ ઓફિસર ગણેશવાલા લાંચ લેતા ઝડપાયા પછી હવે ઉધના ઝોનનાં આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદી આજે ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીનાં અધિકારીઓનાં હાથે ઝડપાઇ ગયો હતો. ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન નાંખવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરે બિલનાં નાણાં મંજૂર કરવા ઘણાં ધક્કા ખાધા હતાં. આખરે કોન્ટ્રાક્ટરે આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીનો સંપર્ક સાધી બિલ મંજૂર કરવા વિનંતી કરતા જીજ્ઞેશ મોદીએ ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી પરંતુ રકઝકને અંતે ૪૫,૦૦૦ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી કર્યું હતું. જાેકે, ઈજારદારને રૂપિયા આપવાનું મંજૂર ન હોવાથી તેમણે એસીબી પોલીસનો સહારો લીધો હતો અને એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી આખરે એસીબી પોલીસે લાંચીયા અધિકારીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. ઉધના ઝોન ઓફિસના ગેટની બહાર જમણી બાજુ રોડ ઉપર જીજ્ઞેશ મોદીએ લાંચની રકમ આપવા માટે જણાવ્યું હતું. જેથી ઈજારદાર પૈસા લઈને જગ્યા પર પહોંચ્યો હતો અને જીજ્ઞેશ મોદીએ ત્યાં આવી લાંચની રકમ સ્વીકારી હતી. આ સાથે જ એસીબી પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રૂપિયા ૪૫ હજારની લાંચ લેતાં ઝડપાયેલો જીજ્ઞેશ મોદી અગાઉ પણ એસીબી પોલીસના હાથમાં પકડાઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં તે રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ડ્રેનેજનું જાેડાણની મંજૂરીની કાર્યવાહી માટે રૂપિયા ૧૫ હજારની લાંચ લીધી હતી. આ સમયે પણ ભ્રષ્ટ અધિકારી જીજ્ઞેશ મોદી એસીબીના છટકામાં ભેરવાઈ ગયો હતો. આજે ફરી એકવાર એસીબીના હાથમાં રંગેહાથ ઝડપાતા કોર્પોરેશનમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.