લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
3465
હૈદરાબાદ અને કરીમનગરમાં કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર બંડી ભગીરથ સાથે જાેડાયેલા બે અલગ-અલગ પોલીસ કેસોએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ મામલે સામસામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદો નોંધવામાં આવી છે. કોંગ્રેસે સમગ્ર મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
હૈદરાબાદના પેટ બશીરાબાદ પોલીસ સ્ટેશનમાં બંડી ભગીરથ વિરુદ્ધ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક ૧૭ વર્ષીય સગીરાની માતાએ ફરિયાદ કરી છે કે, ભગીરથ છેલ્લા છ મહિનાથી તેમની પુત્રીને હેરાન કરી રહ્યો હતો. ફરિયાદ મુજબ, ભગીરથે લગ્નનું ખોટું વચન આપી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને મોઈનાબાદના એક ફાર્મહાઉસમાં તેની સાથે ગેરવર્તણૂક કરી જાતીય પજવણી કરી હતી.
બીજી તરફ, આ જ દિવસે કરીમનગર ટાઉન પોલીસ મથકે ભગીરથની ફરિયાદના આધારે સગીરા અને તેના માતા-પિતા વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. ભગીરથનો દાવો છે કે, આ પરિવારે તેને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. ભગીરથે આક્ષેપ કર્યો છે કે, લગ્નનો ઈનકાર કરતા યુવતીના પરિવારજનોએ ખોટો કેસ ન કરવાની શરતે તેની પાસે ૫ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.