બેફામ બીએમડબલ્યુ : નિકોલમાં બેકાબૂ કારચાલકે બસ સ્ટોપનો કચ્ચરઘાણ કાઢ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   2079

શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગને કારણે ભયાનક અકસ્માત સર્જાયો છે. નિકોલના ભક્તિનગર બસ સ્ટેન્ડ પાસે આજે એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રિક્ષા સાથે અથડાઈને સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ, નિકોલના ભક્તિનગર બસ સ્ટેશન પાસે રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કારની ગતિ એટલી વધારે હતી કે ચાલકે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. બેફામ બનેલી આ કારે રસ્તા પરથી પસાર થતી એક રિક્ષાને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા ફંગોળાઈ ગઈ હતી અને કાર રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડના લોખંડના સ્ટ્રક્ચરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કાર અથડાવાને કારણે બસ સ્ટેન્ડના પતરાં અને લોખંડના એન્ગલો વળી ગયા હતા. કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે ઘટના સમયે બસ સ્ટેન્ડમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી, અન્યથા મોટી જાનહાનિ થઈ શકી હોત. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો અને કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે કે અકસ્માત સમયે ચાલક નશાની હાલતમાં હતો કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. સ્થાનિક લોકોમાં પૂર્વ અમદાવાદના રહેણાંક વિસ્તારોમાં વધતા જતા સ્પીડિંગ અને સ્ટંટના કિસ્સાઓ સામે ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution