સુરતમાંથી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓમાં ૬૦ ટકા સુધીનો ઘટાડો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   2079

છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૦૨૬માં સુરત શહેરમાંથી વિદેશ અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે ૬૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોવિડ-૧૯ પછીનાં સમયગાળામાં ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪માં મોટી સંખ્યામાં સુરતમાંથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જુદા જુદા દેશોમાં પહોંચ્યા હતા. પરંતુ, આ વખતે સિનારીયો બદલાયો છે અને વૈશ્વિક પરિસ્થિતિને કારણે સેંકડો સુરતી વિદ્યાર્થીઓનું વિદેશમાં અભ્યાસ કરવા જવાનું સપનું રોળાયું હોવાની માહિતી મળે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટડી અબ્રોડનો ટ્રેન્ડ સતત વધતો હતો, સુરતમાં તેના કારણે અનેક ફોરેન સ્ટડી કન્સલ્ટન્ટ્સ સક્રીય થઇ ગયા હતા. ફોરેન સ્ટડી એક્સપર્ટ રિતીકા શર્માનું કહેવું છે કે પરંતુ આ વર્ષે ૨૦૨૬માં વૈશ્વિક પરિસ્થિતિ, વધતા ખર્ચ અને કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ બંનેમાં અનિશ્ચિતતા વધી છે. અનેક દેશોએ પોતાની વિઝા પોલિસી અત્યંત કડક બનાવી દીધી છે અને હવે તો અડધોઅડધ વીઝા એપ્લિકેશનમાં રીજેક્શન આવી રહ્યાં છે. શહેરની અનેક વિદેશ અભ્યાસ કન્સલ્ટન્સીઓ અનુસાર, અગાઉ જ્યાં દર વર્ષે સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે જતા હતા, ત્યાં આ વર્ષે આ આંકડો માંડ ૧૫૦૦ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ફોરેન સ્ટડી પ્લાનિંગ કરી આપતા શૈલેષ પટેલ કહે છે કે વિદેશ અભ્યાસ માટેની ઇન્કવાયરીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અગાઉ જાન્યુઆરીથી જૂન વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર રહેતી હતી, જ્યારે આ વર્ષે ઓફિસોમાં સન્નાટો જાેવા મળી રહ્યો છે. કન્સલ્ટન્સી સંચાલકોનાં મતે, વાલીઓ હવે પહેલા કરતાં વધુ સાવચેત બન્યા છે અને રોકાણ સામે મળતાં પરિણામનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. શિક્ષણ નિષ્ણાંતોનાં મતે હાલનો ઘટાડો તાત્કાલિક હોઈ શકે છે પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર નહીં થાય ત્યાં સુધી વિદેશ અભ્યાસ ક્ષેત્રમાં મંદી યથાવત રહેવાની શક્યતા છે. તેમનું માનવું છે કે આગામી સમયમાં વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી માટે નહીં પરંતુ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ર્નિણય લેશે. વિદેશ અભ્યાસ કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે હવે વિદ્યાર્થીઓમાં માત્ર કેનેડા અને યુકે નહીં પરંતુ જર્મની, આયર્લેન્ડ, સિંગાપોર અને દુબઇ જેવા વિકલ્પો અંગે રસ વધી રહ્યો છે. જાેકે, એકંદરે સુરતમાંથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર ઘટાડો શિક્ષણ ક્ષેત્ર માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution