લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
2079
દેશનું સૌથી મોટું ટેક્સ્ટાઈલ હબ ગણાતું સુરત આજે એક ગંભીર આર્થિક પડકારનો સામનો કરી રહ્યું છે. દૈનિક ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત શહેરમાં વિકસેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અત્યારે મશીનરીનું અપગ્રેડેશન કહો કે મોડર્નાઇઝેશનની સમગ્ર પ્રક્રિયા ઘોંચમાં પડી ગઇ છે. વૈશ્વિક બજારમાં ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને કારણે સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોએ નવી મશીનરીની આયાત પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે, અને આ બ્રેકને હવે અઢી મહિના જેટલો સમય થવા આવ્યો છે. અનેક મશીનરી આયાતકારોએ એડવાન્સ પેમેન્ટ પેટે ચૂકવી દીધેલા કરોડો રૂપિયા જામ થઇ ગયા છે કેમ કે ડોલરનો ભાવ ૮થી ૧૦ ટકા વધી જતા રૂ.૧૫ લાખનું એક મશીન હવે રૂ.૧૬.૫૦ લાખમાં પડી રહ્યું છે. આ પ્રકારે દરેક પ્રકારનાં આયાતી મશીનરીનાં ભાવો વધી જતા કારખાનાઓમાં એક્ષ્પાન્સન કરવાની સુરતના વીવિંગ ઉદ્યોગકારોની યોજના થંભી જવા પામી છે.
સુરતનો કાપડ ઉદ્યોગ ભારતમાં સૌથી વધુ કાપડ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. સુરતમાં કાપડનું ઉત્પાદન કરતા વીવિંગ કારખાનેદારો તેમની મશીનરી અપગ્રેડ કરી રહ્યા છે અને હવે હાઇસ્પીડ મશીનરી વસાવવા માંડ્યા છે. કાપડ ઉદ્યોગનાં અગ્રણી આશિષ ગુજરાતીએ પ્રવર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, એક સમયે પ્રતિ મિનિટ ૪૦૦ રાઉન્ડ (આર.પી.એમ.) પર કાપડનું ઉત્પાદન કરતા સુરતના કારખાનેદારો હવે ૧૨૦૦થી ૧૪૦૦ આર.પી.એમ.ની કેપેસિટી ધરાવતા મશીનો પર કાપડનું ઉત્પાદન લઇ રહ્યા છે. અપગ્રેડેશનનો આ દોર વર્ષોથી નહીં પણ દાયકાથી ચાલી રહ્યો છે અને હજુ પણ સેંકડો કારખાનેદારોની યોજના છે કે જૂના શટલ લૂમ્સની જગ્યાએ હાઇસ્પીડ એરજેટ, વોટરજેટ, રેપિયર જેકાર્ડ જેવા મશીનો આયાત કરીને તેમનું ઉત્પાદન સુધારી રહ્યા છે.
આશિષ ગુજરાતીનું કહેવું છે કે ટેક્સ્ટાઈલ મશીનરીનાં અપગ્રેડેશનને બ્રેક લાગી ગઇ છે અને તેનું કારણ છે કે ડોલરનો ભાવ ૯૫ની આસપાસ પહોંચી ગયો છે. જેને કારણે આયાતી મશીનરી ૧૦ ટકાથી ૧૫ ટકા સુધી મોંઘી પડવા માંડી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે મશીનરીની ડિલિવરી પણ ખર્ચાળ બની ગઇ છે.
નૈતિક પટેલ નામના કારખાનેદાર કહે છે કે આયાતી મશીનરીનાં સોદામાં સૌથી મોટો અવરોધ ડોલર અને રૂપિયાના વિનિમય દરમાં આવ્યો છે. તેમણે કહ્યું કે મારા જેવા ઘણા ઉદ્યોગકારોએ જ્યારે મશીનરી ખરીદવાની વાટાઘાટો શરૂ કરી હતી ત્યારે ડોલરનો ભાવ આશરે રૂ.૮૬ની આસપાસ હતો. પરંતુ હાલમાં રૂપિયો વધુ નબળો પડતા આ ભાવ વધીને ૯૫ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આના કારણે એક મશીન દીઠ પડતર કિંમતમાં લાખો રૂપિયાનો વધારો થયો છે. જે સોદો અગાઉ નક્કી થયો હતો, તેમાં હવે ૧૦ થી ૧૨ ટકા જેટલો વધારાનો બોજ ઉદ્યોગકારો પર આવી રહ્યો છે. પરિણામે, જે ઓર્ડર પાઈપલાઈનમાં હતા તે કાં તો કેન્સલ કરવામાં આવ્યા છે અથવા તો અટકાવી દેવામાં આવ્યા છે.
કાપડ ઉદ્યોગન જાણકારોનું કહેવું છે કે જ્યારે કરન્સી માર્કેટમાં આટલી મોટી અસ્થિરતા હોય, ત્યારે લાંબાગાળાનાં રોકાણ જાેખમી બની જાય છે. સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારો અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. જાે ડોલર સ્થિર નહીં થાય, તો આગામી સમયમાં નવી ટેકનોલોજી અપનાવવાની ગતિ ધીમી પડી શકે છે."
વધુમાં સુરતમાં વપરાતી કુલ હાઇસ્પીડ મશીનરી પૈકી આશરે ૮૭ ટકા આયાત સીધી ચીનથી કરવામાં આવે છે. ચીની મશીનરી પ્રમાણમાં સસ્તી અને મેઇન્ટેનન્સમાં સરળ હોવાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે તે પહેલી પસંદ રહી છે. બાકીની ૧૩ ટકા હાઈ-એન્ડ મશીનરી યુરોપિયન દેશોમાંથી આયાત થાય છે. જાે કે, આ આયાતી મશીનરીનાં પેમેન્ટ ડોલરમાં કરવાના હોવાથી હાલમાં મોટી સમસ્યા ઉભી થઈ છે.