સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો તાત્કાલિક અમલ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ
31, જુલાઈ 2025 વડોદરા   |   6831   |  

લારી-ગલ્લાવાળાઓને દબાણના નામે થતી હેરાનગતિ બંધ કરવા રજૂઆત 

કોંગ્રેસના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અપાયું 


શહેરના લારી-ગલ્લાવાળાઓને દબાણના નામે થતી હેરાનગતિ બંધ કરવા અને તેમના રોજગાર-ધંધાને સુરક્ષિત કરવા માટે કોંગ્રેસે આજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હતી. કોર્પોરેશન કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે મોરચો કાઢીને કોંગ્રેસે સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો તાત્કાલિક અમલ કરવાની માગણી કરી હતી.વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી લાવવામાં આવી હતી. જો કોર્પોરેશન આ નીતિનો યોગ્ય રીતે અમલ કરે તો તેને આવક પણ થશે. તેમણે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં લારી-ગલ્લાવાળાને રોજગાર મળવો જોઈએ તેમ સ્પષ્ટપણે જણાવાયું છે. કોંગ્રેસની આ માગણી સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીના અમલ પર કોર્પોરેશન વિચાર કરી રહ્યું છે. શહેરના તમામ 19 વોર્ડમાં જે પ્લોટ શોધી કાઢવામાં આવ્યા છે, તેનો સર્વે અને અભ્યાસ કરવામાં આવશે. વર્ષ 2017માં શહેરમાં લારી-ગલ્લાવાળાનો સર્વે કરાયો હતો, અને હવે ખરેખર સાચો નંબર કેટલો છે તે જાણવા માટે ફરીથી સર્વે કરવામાં આવશે. આ સર્વેનો મુખ્ય હેતુ એ છે કે લારી-ગલ્લાવાળાઓ રોડ ઉપર ઊભા રહીને દબાણ ન કરે તે સુનિશ્ચિત કરવું, અને તેમને નજીકના યોગ્ય પ્લોટમાં ખસેડવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં ચારેય ઝોનમાં શાકમાર્કેટ બનાવવાની પણ યોજના છે. ખાણીપીણીના ધંધાર્થીઓને પણ વ્યવસ્થિત રીતે ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવશે. ફૂટપાથ અને રોડ પર દબાણ ન થાય તે માટે પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution