લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ફેબ્રુઆરી 2025 |
વિનોદ શાહ |
146817
તમારી જન્મકુંડળી એટલે તમારા જન્મસમયનો અવકાશી નકશો! તેનાથી તમારા ભાગ્યનો પથ નક્કી થાય છે! આ પથને પસાર કરવા માટે તમને બાર ઘર મળે છે! આ બાર ઘર એટલે તમારી કુંડળીનાં ૧૨ સ્થાનો! આ દરેક સ્થાન તમારા ભાગ્યના અલગ અલગ પડાવ વિષે જણાવે છે! તેમના દ્વારા જ તમારા વ્યક્તિગત જીવન તેમજ તમારા સંપૂર્ણ વ્યક્તિત્વને જાણી શકાય છે.
તેમાંથી તમારા પોતાના વિષે જે કાંઈ જાેવાય છે તે સ્વાભાવિક ફળકથન હોય છે અને તમારાં સંબંધીઓ તથા સ્વજનો વિષે જે કાંઈ જાેવાય છે તેને ‘ભાવથી ભાવ’ની રીત કહે છે. આપણે આ રીતને જરા સમજી લઈએ. આ એક વિશેષ પદ્ધતિ છે. મારી કુંડળીનું પ્રથમ સ્થાન મારા જન્મને દર્શાવે છે અને બીજું સ્થાન મારા ધનસંચયને દર્શાવે છે. હવે મારી કુંડળી પરથી મારે મારી માતાના ધનસંચય વિષે જાણવું છે. તો મારી કુંડળીમાં ચોથું સ્થાન મારી માતાનું છે. તેના પછીનું બીજું સ્થાન એટલે કુંડળીનું પાંચમું સ્થાન મારી માતાનો ધનસંચય જણાવશે! એ જ રીતે મારી કુંડળીનું સાતમું સ્થાન મારી પત્નીનું છે તો તેનાથી બીજું એટલે કે કુંડળીનું આઠમું સ્થાન મારી પત્નીનો ધનસંચય દર્શાવશે!
એટલે કે જેમ મારા ધનસંચય વિષે મારી કુંડળીનું બીજું સ્થાન જાેવાય છે તેમ મારી સાથે સંબંધ ધરાવતી વ્યક્તિના સ્થાનથી બીજું સ્થાન તે સંબંધિત વ્યક્તિના ધનસંચયને જાણવા માટે જાેવાય છે.
એ જ રીતે મારી કુંડળીનું ત્રીજું સ્થાન મારાં ભાઈબહેન વિષે જણાવે છે. હવે મારે મારી પત્નીનાં ભાઈબહેન વિષે જાણવું હોય તો પત્નીના સ્થાનથી ત્રીજું સ્થાન જાેવું જાેઈએ. મારી કુંડળીમાં પત્નીનું સ્થાન છે સાતમું સ્થાન અને આ સ્થાનથી ત્રીજું સ્થાન છે મારી કુંડળીનું નવમું સ્થાન. તો આ નવમું સ્થાન મારી પત્નીનાં ભાઈબહેન વિષે જણાવશે!
આને ‘ભાવથી ભાવ’ અથવા તો ‘ભાવાતિભાવ’ની રીતે કુંડળી જાેવાની પદ્ધતિ કહે છે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના સ્થાનને ‘ભાવ’ પણ કહે છે. આપણા સંબંધીઓ માટે આપણી અંદર એક વિશેષ ભાવ હોય છે અને તે જે તે સંબંધના પ્રમાણમાં હોય છે. કદાચ આથી જ સંબંધીઓ વિષેની વિગતો જાણવા માટેની પદ્ધતિને જ્યોતિષશાસ્ત્રમાં ‘ભાવથી ભાવ’ની રીત કહે છે!
આ પદ્ધતિનો વિશેષ લાભ અમુક ચોક્કસ બાબતોમાં આગવી રીતે લઈ શકાય છે. ખાસ કરીને આર્થિક બાબતોમાં આ પદ્ધતિ ખૂબ કામ લાગે છે. કેટલીક વાર આપણા પોતાના નામે વેપાર કરવામાં ભાગ્યની બાધા આવતી હોય છે. એ સમયે આપણા માટે આપણા ઘરની કઈ વ્યક્તિ આપણા માટે લાભદાયક બની શકે છે તે જાણીને તેના નામે વેપાર કરી શકાય છે. આમ કરીને પોતાના ભાગ્યની બાધાને અન્ય સંબંધીના ભાગ્યનો લાભ લઈને દૂર કરી શકાય છે. એટલે કે જ્યોતિષશાસ્ત્રની મદદ દ્વારા અન્યના ભાગ્યના સદુપયોગથી પોતાના દુર્ભાગ્યને પણ સદભાગ્યમાં બદલી શકાય છે! આ રીતે જાેતાં ‘ભાવથી ભાવ’ની પદ્ધતિને ‘સદભાવ’ની પદ્ધતિ પણ કહી શકાય!
અહીં ‘જાતક’ શબ્દને જરા જાણી લઈએ. જાતક એટલે જેની કુંડળી જાેવાની હોય તે વ્યક્તિવિશેષ! હું જાે તમારી કુંડળી જાેઈ રહ્યો છું તો તમે એ કુંડળીના જાતક છો!
હવે એ જાેઈએ કે કુંડળીનાં ૧૨ સ્થાનોમાં શું શું જાેવાય છે! એ માટે અહીં સંપૂર્ણ કુંડળીનો આલેખ આપ્યો છે.