ગામોના ગામો બેટમાં ફેરવાયા, દ્વારકા સોમનાથ હાઇ-વે વરસાદથી ધોવાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   2079

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નદીઓમાં ઘોડાપૂર અને દરિયામાં તોફાની મોજાંઓને કારણે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે. અમરેલીના જાફરાબાદ દરિયાકિનારે ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં જાેરદાર કરંટ જાેવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા હોવાથી તકેદારીના ભાગરૂપે બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૭૦૦થી વધુ બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રેડ એલર્ટના પગલે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. અમરેલીના દરિયાકાંઠામાં ભારે કરંટ જાેવા મળી રહ્યો છે. દરિયાની સ્થિતિ અને તોફાની પવનની ગતિને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જ્યાં અત્યારે ૧૦ ફૂટથી પણ વધુ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા અગમચેતી વાપરીને ૭૦૦થી વધુ બોટોને કિનારે લાવી સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેમાંથી ૩૦૦ જેટલી બોટોને ક્રેન વડે જમીન પર ઉપર ચડાવી દેવાઈ છે અને બાકીની બોટો જેટી પર વ્યવસ્થિત રીતે બાંધી દેવાઈ છે. જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદના કારણે નોળી નદી ગાંડીતૂર બની છે. નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે સોમનાથ–પોરબંદર નેશનલ હાઈવે પર ૪૦ ફૂટનું મોટું ધોવાણ થયું છે. હાઈવેનો એક ભાગ ધસી પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. તંત્ર દ્વારા સલામતી માટે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને મુસાફરોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ અને ભીમોરા ગામે મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. લાઠ ગામમાં માત્ર બે કલાકમાં ૭ ઇંચ વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ, ભીમોરા, મજેઠી અને તલંગણા તરફ જતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા પર ચાલી રહેલા કામના ડાઈવર્ઝનનું ધોવાણ થતાં લાઠ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મુસાફરોથી ભરેલી એક એસ.ટી. બસ પણ રસ્તા પર પડેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. ઉપલેટામાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતો પાયમાલ થયા છે.

અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો

અમદાવાદ શહેરમાં પણ સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં સુભાષબ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તોરોમાં હળવો વરસાદ વરસ્યો હતો ૨-૩ દિવસથી વરસાદી માહોલ જામ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં છેલ્લા ૨-૩ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના અમુક ભાગો અને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેને કારણે મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો જાેવા મળ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution