લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદીઓની મુલાકાત તથા બેરેક ફાળવણીમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   2376

લાજપોર સેન્ટ્રલ જેલ ભ્રષ્ટાચારનો અખાડો બની ચૂકી છે. અહીં કેદીઓની બેરેક ફાળવણી, ખાન-પાન અને મુલાકાત સુધી પૈસાની બોલબાલા છે. ભ્રષ્ટાચાર જાણે અહીં શિષ્ટાચાર હની ગયો છે. ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ બે મહિના અગાઉ જેલની ભ્રષ્ટ સીસ્ટમનો તેમાં સંડોવાયેલા અધિકારી અને કેદીઓના નામે જાેગ પર્દાફાશ કર્યો હતો. હવે એસીબીએ સેન્ટ્રલ જેલ બહાર છટકું ગોઠવી કેદીઓની મુલાકાત માટે સંબંધીઓ પાસે ૫૦૦ રૂપિયા લાંચ વસૂલતાં પન્ટરને ઝડપી પાડ્યો હતો.

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને મળવા આવતા મુલાકાતીઓ પાસેથી નિયમ મુજબની નોંધણી કે મુલાકાતી ફોર્મ ભર્યા વગર જ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા પડાવી બારોબાર મુલાકાત કરાવવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. આ અંગે વ્યાપક ફરિયાદો ઉઠતાં એસીબીના સુરત એકમના મદદનીશ નિયામક આર. આર.ચૌધરીનાં સુપરવિઝન હેઠળ પીઆઈ એસ. ડી. ધોબીએ ડીકોય એટલે કે છટકાનું આયોજન કર્યું હતું.

આ પ્લાન મુજબ, એ.સી.બી.ની ટીમે એક જાગૃત નાગરિકને તરીકે તૈયાર કરી લાજપોર જેલના મુલાકાતી રૂમમાં મોકલ્યો હતો. જ્યાં હાજર વચેટિયા પ્રતિક કૈલાશ સસાને (રહે, કેશવ નગર, ભેસ્તાન)ને ફોર્મ વગર મુલાકાત કરાવવા માટે ૫૦૦ લાંચ માંગી હતી. ડીકોયર પાસે પન્ટરે લાંચ પેટે પૈસા લેતાં જ ચાંપતી નજર રાખી બેસેલી એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વખતોવખત જેલવાસ ભોગવતા રહેલા માથાભારે શિવા ઝાલાએ બે મહિના અગાઉ જ પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સના કેસમાં જામીન ઉપર છૂટેલા શિવાએ વાયરલ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, નવા કેદીઓને હાઈ સિક્યોરિટી ઝોનમાં મુકીને તેમની પાસે તોડ કરવામાં આવતો હોય છે. ખૈની, વિવરીયા અને ગઢવી તથા પાકા કામના કેદી ઉજેફાનો ઉલ્લેખ કરતાં તેણે વધુમાં કહ્યું હતું કે, ૨૮ કેદીને બદલે એક જ બેરેકમાં ૪૫ કેદીઓને ઠુંસવામાં આવતાં હોય છે અને ત્યાંથી નિકળવા માટે પણ રૂપિયાની વસુલાત કરવામાં આવતી હોય છે.

આ સિવાય મોબાઈલ પર વાત કરવાથી માંડીને વીડિયો કોન્ફરન્સ માટે પણ ૫૦૦ રૂપિયા સુધીનો વ્યવહાર કરવો પડતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય જેલમાં તમાકુ, ગુટખા, ગાંજાે અને ડ્રગ્સ પણ રૂપિયા ખર્ચ કરતાં મળી જાય છે. જેલ કર્મચારી અને કેદીઓ ચોક્કસ એકાઉન્ટ અને યુપીઆઇ આઈડી માં પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. જાે કે, આ આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ચોથા જ દિવસે શહેર પોલીસે શિવા સામે ખંડણીના ત્રણ ગુના નોંધી દીધા હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution