લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
સુરત |
891
સુરત મહાનગરપાલિકાની આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને હાલ પ્રચાર પૂરજાેશમાં શરૂ થઇ ચૂક્યો છે અને સુરતની ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા જાે કોઇ વિસ્તારમાં થઇ રહી હોય તો એ વરાછા, કતારગામ વિસ્તારમાં થઇ રહી છે. આ એવો વિસ્તાર છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભારે હુંસાતુંસી ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. આ એવો વિસ્તાર છે કે જ્યાંની બહુલ વસતી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને હીરા ઉદ્યોગની વાત આવે ત્યારે મંદી અને બેરોજગાર રત્નકલાકારોની રાહત યોજનામાં રાજ્ય સરકારે રીજેક્ટ કરેલા ૨૫ હજાર અરજીઓનો મુદ્દો અવશ્ય ચર્ચાય. વરાછા, કતારગામમાં હાલ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે જઇ રહેલી ભાજપાના ઉમેદવારો સમક્ષ સામાન્ય મતદારો અને રત્નકલાકારો મોઢામોઢ એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે મંદીગ્રસ્ત હીરા ઉદ્યોગમાં જ્યારે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ સારી ન હતી અને એ સમયે રાજ્ય સરકારે બેરોજગાર રત્નકલાકારો માટે રાહત યોજના સ્વરૂપે તેમના બાળકોની એક વર્ષની સહાય ફી ચૂકવી હતી એ યોજનામાં ૨૫ હજાર જેટલા રત્નકલાકારોનાં ૩૦ હજાર જેટલા બાળકોની ફી માટેની અરજીઓ રીજેક્ટ કરવામાં આવી ત્યારે ભાજપનાં કોર્પોરેટરો કે નેતાઓ ક્યાં ગયા હતા?
છેલ્લા બે દિવસથી વરાછા, કતારગામમાં આ મુદ્દો અને તેના પર સવાલો ઉઠાવીને મતદારો અને રત્નકલાકારો ભાજપનાં ઉમેદવારોની કસોટી કરી રહ્યા છે. વરાછાનાં એક વોર્ડમાં તો રત્નકલાકારોએ ભાજપનાં ઉમેદવારોને ઘેરીને પ્રશ્નોનો એવો મારો ચલાવ્યો કે ભાજપનાં ચારેય ઉમેદવારો ગેંગેંફેંફે થઇ ગયા હતાં. તેમની પાસે કોઇ જવાબ ન હતો. એક ઉમેદવારે તો ત્યાં સુધી કહ્યું કે બેરોજગાર રત્નકલાકાર રાહત યોજના અંગે તેમની પાસે કોઇ જ જાણકારી નથી. આવું કહેતા જ પરિસ્થિતિ વધુ વણસી ગઇ હતી અને એ પછી તો સોસાયટીઓની મહિલાઓએ પણ ઉમેદવારોને મીટિંગ છોડી જવા માટે ભારે પસ્તાળ પાડી હતી.
એવું નથી કે વરાછાનાં એક જ વોર્ડમાં બેરોજગાર રત્નકલાકાર રાહત યોજનાનાં રીજેક્ટ થયેલા ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ભાજપનાં ચૂંટણી કાર્યાલયોની મીટિંગોમાં પણ આ મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે અને પ્રચાર માટે સોસાયટીઓ, સમાજાે અને મતદારો પાસે જતા કાર્યકર્તાઓને રત્નકલાકારો આ મુદ્દે સવાલો પૂછીને રીતસર ભીડાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો પણ પોતાની જાહેરસભાઓમાં આ મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી રહ્યાં છે.