એક વર્ષ પહેલાં ૫૫૧ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કર્યાં પછી સુરત પોલીસ ઉંઘતી હતી ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026  |   2673

આરોગ્ય રાજ્યમંત્રીનાં કાફલા ઉપર ડમ્પરમાંથી માટી પડી અને મંત્રી ગુસ્સે ભરાતાં સુરત પોલીસે એક દિવસ માટે સંખ્યાબંધ હેવીવ્હીકલ્સ પકડીને સપાટો બોલાવી દીધો પણ બીજા દિવસથી જ સુરત શહેરમાં ફરી ડમ્પર સહિતનાં હેવીવ્હીકલ્સ બિન્દાસ્ત દોડતાં થઇ ગયાં છે. સરકારમાંથી ફરમાન આવ્યું અને પોલીસે ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ માટે ત્રણ દિવસનું અભિયાન આદર્યું, હજી આ અભિયાન સંપૂર્ણપણે પુરૂ નથી થયું ત્યાં સરકારનું નવું ફરમાન આવ્યું અને પોલીસે બાંગ્લાદેશીઓને શોધવા સર્ચ ઓપરેશન આદરી ૨૬૧ શકમંદ બાંગ્લાદેશીઓને રાઉન્ડ અપ કર્યા છે. સાચુ કહું તો, સુરત પોલીસની કામગીરી આરંભે શૂરા જેવી તો છે જ સાથો સાથ પોલીસ અધિકારીઓનો અભિગમ પણ શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો જ અનુભવાયો છે.

જ્યારે જ્યારે સરકાર એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ આપવામાં આવે એટલે બે-ચાર દિવસ કે વધુમાં વધુ એક પખવાડિયા સુધી પોલીસનું અભિયાન ચાલે ત્યારપછી ફુગ્ગામાંથી હવા નીકળે તેમ કામગીરી ઢીલી પડી જતી જાેવા મળી છે. વ્યાજખોર સામેની ઝૂંબેશ હોય, ડ્રગ વિરોધી અભિયાન હોય કે ગુંડાતત્વોને શોધી શોધીને તેમની સામે કાર્યવાહી કરવાની કામગીરી હોય, સુરત પોલીસે આરંભમાં જાેર બતાવીને વાહવાહી મેળવી લીધાં પછી તે ઝૂંબેશ કે અભિયાનને પડતું મૂકવામાં સ્હેજપણ વાર નથી લગાવી. સુરત શહેરમાં વસતાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ અંગે ગત વર્ષે જૂન મહિનામાં જ સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન આદરીને ૫૫૧ ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કર્યા હતાં. આખું શહેર ધમરોળી નાંખવામાં આવ્યું અને જેટલાં હતાં તે તમામ બાંગ્લાદેશીઓને વીણી વીણીને ડીપોર્ટ કરી દેવાયાં હોવાની જાહેરાત કરાઇ હતી. હવે એક વર્ષ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ હુંકાર કર્યો એટલે ફરી બાંગ્લાદેશીઓને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું. એક વર્ષ પહેલાં શહેરનો ખુણે ખુણો ફંફોસીને જેટલાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ હતાં તેમને ડીપોર્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો તો પછી એક વર્ષ પછી ફરી ૨૬૧ શંકાસ્પદ સાથે ૮૪ ગેરકાયદે બાંગ્લાદેશી સુરતમાં મળી આવ્યાં છે તો તેમણે સુરતમાં ઘૂસણખોરી કેવી રીતે કરી, કયા છીંડા સુરતમાં છે તે મહત્વનો સવાલ અહીંયા ઉપસ્થિત થાય છે. આ બધાં મુદ્દા ઉપરાંત નાસિરનગરમાં બિલ્ડરનાં લાભ માટે કરાયેલાં ડીમોલિશનમાં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત હોય પરંતુ ડીસીપી નકુમ સહિત એસ.ઓ.જી.ની ટીમની ઉપસ્થિતિ કેમ હતી તે સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution